અબુજાઃ નાઈજીરીયાના ઉત્તર – પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને લીધે પોતાના ઘર છોડીને ભાગી ગયેલા અને આજીવિકા ગુમાવનારા લોકોને ખૂબ વધી ગયેલા ફુગાવાને લીધે ભોજન મેળવવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે. નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ મુજબ આ વર્ષે માર્ચમાં ફુગાવાનો દર ચાર વર્ષની વિક્રમજનક ઉંચાઈએ ૧૮ ટકા પર પહોંચી ગયો હતો.
નવ વ્યક્તિના પરિવાર સાથે વિસ્થાપિત થયેલા અને હાલ બોર્નો રાજ્યના મૈદુગુડીમાં વિસ્થાપિતોના એક કેમ્પમાં ગ્રોસરી શોપ ચલાવતા અલી કોલોમીએ જણાવ્યું કે અગાઉ ચીજવસ્તુઓના ભાવ વાજબી હતા. પરંતુ, તેમાં વધારો થતાં બધું ખૂબ મોંઘુ બની ગયું છે.
ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (ICRC)ના મૈદાગુડી સબ – ડેલિગેશનના ડેપ્યૂટી હેડ સારા અલ મૌમુહીએ જણાવ્યું કે સશસ્ત્ર સંઘર્ષના દસ વર્ષમાં નાઈજીરીયાના ઉત્તર – પૂર્વના બે મિલિયન લોકો વિસ્થાપિત થયા હતા. લોકો ઘર છોડીને જતાં રહેતા તેમણે આજીવિકા ગુમાવી હતી અને તેમાંના ઘણાંને આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરવો પડે છે.
સત્તાવાર આંકડા મુજબ નાઈજીરીયાની વસતિના ૪૦ ટકા અથવા લગભગ ૮૩ મિલિયન લોકો દેશની વાર્ષિક ૧૩૭,૪૩૦ નૈરા(૨૭૫ બ્રિટિશ પાઉન્ડ)ની ગરીબીરેખા કરતાં નીચે જીવે છે.