અબુજાઃ ' ૭૦ના દસકામાં ઓઈલ સ્પીલ્સને લીધે દક્ષિણપશ્ચિમ નાઈજીરીયામાં જેમની જમીનને નુક્સાન થયું હતું તેમને ૯૫ મિલિયન ડોલર ચૂકવી આપવા ઓઈલ જાયન્ટ શેલ સંમત થયું હોવાનું બન્ને પક્ષોના વકીલોએ જણાવ્યું હતું.
મૂવમેન્ટ ફોર ધ સર્વાઈવલ ઓફ ધ ઓગોની પીપલ (Mosop) સહિતની પર્યાવરણવાદી સંસ્થાઓએ આરોપ લગાવ્યો હતો કે એંગ્લો - ડચ કંપની શેલે ૨૦ કરતાં વધુ વર્ષ સુધી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું હતું અને ઓગોની પ્રદેશની અવગણના કરી હતી. તે પ્રદેશમાં ઓઈલના પ્રદૂષણને લીધે મેન્ગ્રોવ્સને ભારે હાનિ પહોંચી હતી.
સૌ પ્રથમ ૨૦૧૦માં શેલ દોષી ઠેરવાયું હતું. પરંતુ, કંપનીએ વારંવાર તે ચૂકાદાને પડકાર્યો હતો. જોકે, તે સફળ થયું ન હતું. આખરે કંપનીએ ગયા બુધવારે અબુજા હાઈકોર્ટમાં કોમ્યુનિટી સાથે સમાધાન કર્યું હતું.
એબુબુ કોમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ કરતાં વકીલ લુસિયસ ન્વોસુની એજમાએ આ નિર્ણયની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ન્યાય મેળવવાના આ કોમ્યુનિટીના દ્રઢ સંકલ્પને લીધે આ નિર્ણય આવ્યો હતો.
શેલ વળતર ચૂકવવા તૈયાર થયું હતું પરંતુ, જણાવ્યું હતું કે નાઈજીરીયામાં ૧૯૬૭ – ૧૯૭૦ના વર્ગવિગ્રહમાં ઘણી પાઈપલાઈનો અને માળખાં તૂટી જવાથી થર્ડ પાર્ટી દ્વારા આ નુક્સાન કરાયું હતું. ૨૦૧૫માં કંપનીએ ઓગોનીલેન્ડના ૧૫,૦૦૦ રહીશોને ૭૦ મિલિયન ડોલરનું વળતર ચૂકવવા સંમત થઈ હતી.