નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુશ્કેલીને હાલ તો ચાઈનીઝ લોન્સે દૂર કરી છે. કેન્યાની રાજધાની નાઈરોબીથી હિન્દ મહાસાગરના પોર્ટ મોમ્બાસા સુધી ૩૦૦ માઈલ લાંબી રેલલાઈન બાંધવા માટે ચીન દ્વારા ૩.૬ બિલિયન ડોલરની જંગી લોન મંજૂર કરવામાં આવી છે, જે આ પ્રોજેક્ટના કુલ ખર્ચના ૯૦ ટકા જેટલી થવા જાય છે. પ્રેસિડેન્ટ કેન્યાટા સામે આ વર્ષે ચૂંટણીમાં નવેસરથી ચૂંટાઈ આવવાનો પડકાર છે.
તેમની સરકારે કેન્યામાં માર્ગો, પાઈપલાઈન્સ, ઓઈલ ડેવલપમેન્ટ અને જીઓથર્મલ પાવર સહિતના પ્રોજેક્ટ્સમાં જંગી રોકાણો કર્યાં છે. નાઈરોબી-મોમ્બાસા રેલ પ્રોજેક્ટનું ફાઈનાન્સિંગ એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈના હસ્તક છે. ચીનની સરકારી કંપની ચાઈના રોડ એન્ડ બ્રિજ કોર્પોરેશન દ્વારા આ રેલવેનું બાંધકામ કરવામાં આવનાર છે. આ રેલલાઈન યુગાન્ડાના કમ્પાલા અને તે પછી રવાન્ડા સુધી રેલવેથી સમગ્ર આફ્રિકાને ચાઈનીઝ રેલથી સાંકળવાના અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો છે. ચીને જાન્યુઆરીમાં ૪.૨ બિલિયન ડોલરના ખર્ચે દિગ્બૂટીથી ઈથિયોપિયાની રાજધાની સુધી ૪૭૦ માઈલની રેલલાઈન ખુલ્લી મૂકી છે.
ગત ૧૦ વર્ષમાં ચીને કેન્યામાં પોતાની હાજરી મજબૂત બનાવી છે. કેન્યા તેનું મહત્ત્વનું વેપારી અને ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર બની ગયું છે. કેન્યામાં તેની નિકાસો ૨૦૧૦ની સરખામણીએ ત્રણ ગણી વધી પાંચ બિલિયન ડોલરની થઈ છે, જ્યારે યુએસથી કેન્યાની આયાત ૭૮૦ મિલિયન ડોલરની જ છે.