નાઈરોબીઃ કેન્યાની રાજધાનીમાં ડાન્ડોરા ડમ્પસાઈટમાં ચારેતરફ કચરો ફેલાયેલો છે અને વધતો જ રહ્યો છે. જોકે, એક વ્યક્તિ માટે કચરાનું કોઈ મૂલ્ય ન હોય પરંતુ, અન્યો માટે તે કિંમતી પણ હોઈ શકે છે. લોકો રોજ સવારે આ કચરાના પહાડમાંથી પ્લાસ્ટિક્સ સહિત પોતાને જોઈતી ચીજવસ્તુઓ શોધવા ઉમટી પડે છે જેને રીસાઈકલિંગ પ્લાન્ટને વેચી શકાય. ઘણા લોકો ફેંકી દેવાયેલા સાધનો સહિત ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટ અને પૂર્જા પણ ફંફોસે છે. જોકે, આ કાર્ય જોખમી પણ છે. ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટમાંથી નીકળતો સફેદ પાવડર સળગાવાય ત્યારે તે શરીરમાં પ્રવેશે છે અને શ્વાસોચ્છવાસની તકલીફ સર્જાય છે.
યુએનના ચોથા ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર રિપોર્ટ અનુસાર 2022માં વિશ્વમાં 62 મિલિયન ટન ઈ-વેસ્ટનું ઉત્પાદન થયું હતું જે વધીને 2023ના અંતે 82 મિલિયન ટન થવાની આગાહી હતી. ઈ-વેસ્ટનો પહાડ ઊંચો વધતો જાય છે ત્યારે નાઈરોબીના વેસ્ટ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ(WEEE) સેન્ટર જેવા રિસાઈકલિંગ પ્લાન્ટ્સ તેને ઘટાડવાનો સતત પ્રયાસ કરતા રહે છે. WEEE સેન્ટર અનુસાર તેઓ ઈલેક્ટ્રોનિક વેસ્ટ માટે રીપેર, રીફરબિશ, રીસાઈકલ અને રીપરપઝના આર્થિક સિદ્ધાંતો પ્રમાણે કામ કરે જોખમી પરિણામો ધરાવતો આ કચરો ફરી પર્યાવરણમાં પાછો ન જાય તેનું ધ્યાન રાખે છે
WEEE સેન્ટર સમગ્ર દેશમાં કલેક્શન પોઈન્ટ્સ ધરાવે છે જ્યાં લોકો જૂના ઈલેક્ટ્રોનિક્સ સાધનો કે ઉપકરણો જમા કરાવી શકે. દરેક આઈટમની ગણતરી કરાય છે અને જો કશામાં કોઈ ડેટા હોય તો તેને નાબૂદ કરી દેવાય છે જેથી તેનો દુરુપયોગ થઈ ન શકે. જો તેને રીપેર ન કરી શકાય કે અન્ય ઉપયોગમાં લાવી ન શકાય તો તેને પ્લાસ્ટિક્સ, ધાતુ, સ્ક્રુઝ અને બોર્ડ્સના અલગ હિસ્સામાં વહેંચી દેવાય છે. આ બધાને રીસાઈકલિંગ કરવા વેચી પણ દેવાય છે. ઈ-વેસ્ટના રીસાઈકલિંગ થકી માત્ર એક ટકા રેર અર્થ મેટલ્સની માગને પહોંચી વળાય છે પરંતુ, યુએનના અંદાજ અનુસાર 2022ના ઈ-વેસ્ટમાં 91 બિલિયન ડોલર્સના મૂલ્યની કિંમતી ધાતુઓ ભરાયેલી હતી. આફ્રિકન દેશોમાં માત્ર એક ટકા ઈ-વેસ્ટનું રીસાઈકલિંગ કરાય છે.