નાઈરોબીઃ મિલિનામી લો કોર્ટ્સના હાઈ કોર્ટ જસ્ટિસ બાહાટી એમ્વામુયેએ નાઈરોબીના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (CBD) અને આસપાસના વિસ્તારોમાં દેખાવો પર કાર્યકારી ઈન્સ્પેક્ટર જનરલ ડગ્લાસ કાન્જાએ ફરમાવેલા પોલીસ પ્રતિબંધને સસ્પેન્ડ કરી સરકારને 23 જુલાઈએ પ્રતિભાવ દાખલ કરવા આદેશ આપ્યો છે. સરકારવિરોધી હિંસક દેખાવોના પગલે કેન્યાની પોલીસે 18 જુલાઈથી નાઈરોબીમાં દેખાવો પર પ્રતિબંધ લગાવ્યો હતો. ટેક્સવધારાનું બિલ પાછું ખેંચી લેવાયા પછી પણ પ્રેસિડેન્ટ રુટોના રાજીનામાની માગ સાથે સરકારવિરોધી દેખાવો ચાલુ રહ્યા છે. નાઈરોબીના દક્ષિણ પરાંવિસ્તાર નજીક કિટેનગેલા ટાઉનમાં 16 જુલાઈએ દેખાવો કરતા સેંકડો દેખાવકારો પર પોલીસે ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. દેખાવકારોએ પથ્થરમારા સાથે ટાયરો બાળ્યા હતા અને ‘રુટોએ જવું રહ્યું’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ઓર્ગેનાઈઝ્ડ ક્રિનલ ગ્રૂપ્સ વર્તમાન દેખાવોનો લાભ લેવાની તૈયારી કરતા હોવાની ગુપ્ત માહિતીના આધારે પ્રતિબંધનો નિર્ણય લેવાયો હતો. અગાઉના દેખાવો હિંસક બનવા સાથે લૂંટના અહેવાલો પણ મળ્યા હતા. કેન્યા નેશનલ કમિશન ઓન હ્યુમન રાઈટ્સ અનુસાર 18 જૂનથી શરૂ થયેલા દેખાવોમાં હિંસા થકી 50ના મોત થયા હતા અને 413ને ઈજા પહોંચી હતી જ્યારે 59 લોકો લાપતા છે અને 628ની ધરપકડ કરાઈ હતી.