નાઈરોબીઃ કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ જવાના પગલે પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશના તમામ જળવિસ્તારોની આસપાસની વસાહતોમાંથી લોકોને ઘર ખાલી કરાવવા આદેશ જારી કર્યો છે.
નાઈરોબીની વસાહતોમાં ભાણે તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ અચાનક સ્થળાંતર કરવાના આદેશો મળ્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે, 48 કલાકમાં જ સ્થળાંતર કરવાના હુકમને પણ પાંચ દિવસ વીતી ગયા હતા. રોષે ભરાયેલા લોકો રુટોની સરકાર તેમના માટે નિષ્ફળ રહી હોવાની વ્યથા સાથે તેમના ઘરને તોડી પાડવાની કામગીરી નિઃસહાયતાથી જોઈ રહ્યા હતા.
કેન્યા માર્ચના મધ્યથી શરૂ થયેલી વરસાદની સીઝનથી હાલમાં પૂર અને વરસાદની વિનાશક અસરોનો સામનો કરી રહેલ છે. સપ્તાહોનાં મૂશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 200થી પણ વધ્યો છે, 164 લોકો લાપતા છે તેમજ કુલ 42,526 પરિવારો વિસ્થાપિત થવા સાથે 210,000 ને અસર પહોંચી છે.પૂરથી વિસ્થાપિત લોકોની મદદ માટે દેશના વિવિધ વિસ્તારોમાં છાવણીઓ સ્થપાઈ છે.