નાઈરોબી: કેન્યામાં વસતા બારેક હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની સ્થાનિક સંસ્થા નાઇરોબી સમાજના ૨૩મા સમૂહલગ્નમાં છ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. આ પ્રસંગે સતત ત્રીજી ટર્મ માટે પ્રમુખ ચુંટાયેલા આર. ડી. વરસાણીએ સંગઠન, સમજ અને પરસ્પર સહકાર પર ભાર મૂક્યો હતો. નાઇરોબી સમાજના દેવશી ધનજી મેમોરિયલ હોલમાં જ્ઞાતિના ૨૩મા સમૂહલગ્ન ૨૩ જુલાઈએ રવિવારે ધામધૂમથી યોજાયા હતા. લગ્ન પ્રસંગે વહેલી સવારથી ગણેશ પૂજન, સમૂહઆરતી, લગ્નવિધિ અને જ્ઞાતિ ભોજનના આયોજન કરાયા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ આર. ડી. વરસાણીએ સૌને આવકારીને નવદંપતીને શુભાશિષ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમાજના સ્થાનિક મંત્રી દિનેશ વરસાણી, સ્થાનિક કન્વીનર મૂરજીભાઇ વાઘજિયાણી, સમિતિ, યુથવિંગ, મહિલા મંડળ તથા સર્વે જ્ઞાતિજનોની મહેનતથી આ સમૂહ લગ્નનો કાર્યક્રમ સરળતાથી પાર પડ્યો છે. ભુજ સમાજ વતી પ્રમુખ હરિભાઇ કેસરા હાલાઇ, મોભી અરજણભાઇ પીંડોરિયા અને ત્રણેય પાંખોએ શુભેચ્છા પાઠવી હતી.