જોહાનિસબર્ગઃ નાદારીની પ્રક્રિયામાંથી બહાર આવ્યા પછી સાઉથ આફ્રિકન એરવેઝે ફરી તેની ફ્લાઈટ શરૂ કરી હતી. તે માર્ચ ૨૦૨૦થી બંધ હતી. ૨૩ સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકન એરવેઝ (SAA) ની ફ્લાઈટમાં જોહાનિસબર્ગથી કેપ ટાઉન જતાં પ્રવાસીઓને એરલાઈન સ્ટાફે ગાઈને તથા ડાન્સ કરીને અભિવાદન કરીને વિદાય આપી હતી.એક સમયે ઈથિયોપિયન એરલાઈન્સ પછી આફ્રિકાની બીજી સૌથી મોટી એરલાઈન્સ SAA નું અસ્તિત્વ દસકાઓથી સરકારી બેલઆઉટને લીધે ટકી રહ્યું હતું અને કોવિડ મહામારી શરૂ થઈ તે પહેલાતી તેના રુટ ઘટાડી રહી હતી.
સરકાર ગયા જૂનમાં તેનો ૫૧ ટકા હિસ્સો ઈન્વેસ્ટર્સ ગ્રૂપ ટાકાત્સો કન્સોર્શિયમને વેચવા સંમત થતાં તેમાં ૨૦૦ મિલિયન ડોલરના મૂડીરોકાણનો માર્ગ મોકળો થયો હતો.
૫૦૦ મિલિયન ડોલરનું સરકારી બેલઆઉટ અને તેના ડેટ રિસ્ટ્રક્ચરીંગ પછી પણ સેંકડો જોબ પર કાપ મૂક્યા પછી એરલાઈન બહાર આવી શકી છે.
૨૩મીએ ડોમેસ્ટિક રુટ શરુ થયા તે પછી અક્રા, કિન્હાસા, લુસાકા, હરારે અને માપુટોની પ્રાદેશિક સેવા શરૂ કરવાની SAA ની યોજના છે.
ચીફ ફાઈનાન્સ ઓફિસર ફીકીલે મ્હલોન્ટલોએ જણાવ્યું કે અગાઉ એરલાઈન પાસે ૪૬ વિમાન હતા જે ઘટીને છ થયા છે. SAA ની લો કોસ્ટ સબસિડિયરી Mango ગ્રાઉન્ડેડ છે અને નાદારીની પ્રક્રિયા ચાલી રહી છે.
SAAમાં ભ્રષ્ટાચારની તપાસમાં જણાયું હતું કે તાજેતરના વર્ષોમાં લગભગ ૩૦ મિલિયન ડોલરની ઉચાપત થઈ હતી.