કમ્પાલાઃ યુગાન્ડાએ વિપક્ષના અગ્રણી નેતા કિઝા બેસિગ્યેની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખી મિલિયરી ટ્રાયલ યોજવાની વિવાદાસ્પદ યોજના પડતી મૂકી છે. કિઝા બેસિગ્યે સામેનો કેસ હવે સિવિલિયન કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. કમ્પાલામાં નવેમ્બર મહિનાથી મહત્તમ સુરક્ષા સાથેની લુઝિરા જેલમાં રખાયેલા અને ભૂખ હડતાળ પર ઉતરેલા બેસિગ્યેને હાલ મેડિકલ ક્લિનિકમાં ખસેડાયા હોવાના પણ અહેવાલ છે.
ઈન્ફોર્મેશન મિનિસ્ટર ક્રિસ બાર્યોમુન્સીએ બેસિગ્યેને ભૂખ હડતાળનો અંત લાવવા સમજાવવા જેલની મુલાકાત લીધી હતી. પીઢ વિપક્ષી નેતા બેસિગ્યે સામે ગેરકાયદે શસ્ત્રો ધરાવવા અને રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપો લગાવાયા છે. બેસિગ્યેની પત્ની વિની બ્યાનયિમાએ મિનિસ્ટરની મુલાકાતને ભારે શંકાસ્પદ ગણાવી હતી.