કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના 81 વર્ષીય પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમા તબીબી સારવાર માટે મોસ્કો પહોંચ્યા હોવાનું અને સારવાર પૂર્ણ થયે દેશ પરત ફરશે તેમના પ્રવક્તા મ્ઝાવાનેલે માન્યીએ જણાવ્યું છે. ઝૂમાને ભ્રષ્ટાચાર બદલ 2018માં પદભ્રષ્ટ કરાયા હતા અને કેટલાક કેસમાં તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પણ કરાઈ છે.
ઝૂમા એક કાર્યક્રમમાં હાજરી આપવા 7 જુલાઈ સુધી ઝિમ્બાબ્વેમાં હતા. કોર્ટના અનાદરના કેસમાં ઝૂમાએ તેમને છોડી દેવા કરેલી અરજી સંદર્ભે સાઉથ આફ્રિકાની સર્વોચ્ચ કોર્ટે તેમણે 15 મહિનાની જેલની સજા પૂર્ણ કરવી પડશે તેવો ચુકાદો 13 જુલાઈએ આપ્યો હતો. ભ્રષ્ટાચારની તપાસ કરતા કમિશનને પ્રતિભાવ નહિ આપવા બદલ ઝૂમાને જૂન 2021માં સજા જાહેર થઈ હતી. તેમને તબીબી કારણોસર પેરોલ પર મુક્ત કરાયા હતા.