એડિસ અબાબાઃ ઈથિયોપિયામાં આવેલા આફ્રિકન યુનિયનના ઈલેક્શન ઓબ્ઝર્વર મિશનના વડા ઓલુસેગન ઓબાસાન્જોએ જણાવ્યું કે તેમની ટીમના તારણ મુજબ ઈથિયોપિયામાં ધારાસભા અને પ્રાદેશિક ચૂંટણી સુવ્યવસ્થિત, શાંતિપૂર્ણ અને વિશ્વસનીય રીતે યોજાઈ હતી. નાઈજીરીયાના ભૂતપૂર્વ પ્રમુખે જણાવ્યું કે કેટલાક સંચાલકીય, કોવિડ – ૧૯, સુરક્ષા અને રાજકીય પડકારો હોવા છતાં ચૂંટણી અને ચૂંટણીના દિવસની પ્રક્રિયા વ્યવસ્થિત, શાંતિપૂર્ણ અને વિશ્વસનીય રીતે યોજાઈ હતી.
ઉત્તર ટાઈગ્રે પ્રાંતમાં મતદાન થયું ન હતું. તે સિવાયના વિસ્તારોમાં મત ગણતરી હાથ ધરાઈ હતી.
૩૮ મિલિયન લોકોને મતાધિકાર પ્રાપ્ત હતો પરંતુ, પાંચમા ભાગના રાષ્ટ્રીય મતવિસ્તારોમાં લડાઈ, અસલામતી અથવા લોજિસ્ટિકલ સમસ્યાઓને લીધે મુલતવી રખાયેલી અથવા રદ કરાયેલી ચૂંટણીમાં ઘણાં લોકોએ મતદાન કર્યું ન હતું.
વડા પ્રધાન એબીય એહમદે સોમવારને 'ઈથિયોપિયા માટે ઐતિહાસિક દિવસ' ગણાવ્યો હતો.
૪૪ વર્ષીય એહમદે મતદાન માટે પ્રતિક્ષા કરતા લોકોના ટોળાઓના ફોટા સાથે ટ્વિટર પર પોસ્ટમાં જણાવ્યું કે અમારા દેશની પ્રથમ મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં પોતાનો અવાજ ઉઠાવવા માટે સમાજના તમામ વર્ગોના લોકોએ મતદાન કર્યું હતું.
ફોટા ઘણું કહે છે અને તે અમારા લોકોની શાંતિ અને લોકશાહી પ્રત્યેની ઉત્સુકતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.
૧૧૦મિલિયન લોકોની વસતિ ધરાવતા વિશાળ રાષ્ટ્રમાં બેલેટ ગણતરી ચાલી રહી હોવાથી કેટલાંક દિવસો સુધી પરિણામ જાહેર થવાની શક્યતા નથી. (200)