કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ તથા વિશ્વવિખ્યાત નેતા નેલ્સન મંડેલાની જિંદગીના અંતિમ તબક્કામાં તેના ફિઝિશિયન રહી ચૂકેલા વેજય રામલકને તેમના જીવનના કેટલાક પ્રસંગોને આવરી લેતું પુસ્તક તાજેતરમાં મંડેલાના જન્મદિને ૧૮મી જુલાઈએ બહાર પાડ્યું હતું. પુસ્તકમાં વેજયે મંડેલાના પરિવાર સાથેના કેટલાક સભ્યો સાથે અણબનાવ, તેમની સંભાળ બાબતે પરિવારનું વલણ વિશેના કિસ્સા ટાંક્યા છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ સાઉથ આફ્રિકા દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં લખાયેલા મંડેલાના અંગત જીવનના અંશો બાબતે મંડેલાનાં પત્ની ગ્રેસ મિશેલે વાંધો ઉઠાવતાં કહ્યું છે કે, પ્રસંગોને ખોટી રીતે પુસ્તકમાં લખાયા હોવાથી આ પુસ્તક પર પ્રતિબંધ લાદવામાં આવે તથા પુસ્તકનું વેચાણ પણ અટકાવવામાં આવે. ગ્રેસે આ પુસ્તક તથા લેખક વેજય સામે કાયદાકીય કાર્યવાહી અંગેની ચીમકી આપતાં પબ્લિકેશન હાઉસે આ પુસ્તકનું વેચાણ અટકાવવાની, પુસ્તકની વેચાણ માટે મુકાયેલી પ્રતો પાછી ખેંચવાની તથા વધુ કોપીઓ નહીં છાપવાની બાંહેધરી આપી છે.