કેપ ટાઉનઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ હેરી અને મેગન દ્વારા તેમની નવી નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીમાં રંગભેદવિરોધી નેતા અને સાઉથ આફ્રિકાના પ્રથમ પ્રમુખ નેલ્સન મન્ડેલાના શબ્દોનો ઉપયોગ કરાવા બદલ મન્ડેલાની પૌત્રી નડિલેકા મન્ડેલાએ તેમની ભારે ટીકા કરી છે. મન્ડેલાની પૌત્રીએ સસેક્સ દંપતીની સીરિઝમાં રંગભેદવિરોધી નેતાના જીવનનો શો સંબંધ છે તેવો પ્રશ્ન કર્યો છે.
પ્રિન્સ હેરી અને મેગન દ્વારા નિર્માણ અને રજૂ કરાયેલા શોને નેટફ્લિક્સ દ્વારા ‘પોતાની પ્રેરણાત્મક જીવનકથાથી વિશ્વમાં તફાવત સર્જતા પ્રતિબદ્ધ નેતાઓ’ તરીકે ગણાવાયો છે. આ શોમાં નેલ્સન મન્ડેલા સહિત નેતાઓના ફૂટેજ દર્શાવાયા છે. નોન-પ્રોફિટ સંસ્થા ધ નેલ્સન મન્ડેલા ફાઉન્ડેશનની મદદથી આ ફૂટેજ તૈયાર કરાયું છે.
આ શોના ટ્રેઈલરમાં ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ જણાવે છે કે,‘ આ નેલ્સન મન્ડેલા દ્વારા પ્રેરિત છે જેમણે એક વખત કહ્યું હતું કે ‘આપણા જીવનમાં આપણે જે જીવ્યા છીએ તે ખાલી હકીકતોનું મહત્ત્વ નથી. અન્ય લોકોના જીવન પર તેનાથી શું તફાવત આવે છે તે જ આપણે જીવેલાં જીવનનું મહત્ત્વ દર્શાવશે.’
જોકે, સામાજિક કર્મશીલ નડિલેકાએ ધ ઓસ્ટ્રેલિયન સાથે ઈન્ટરવ્યૂમાં તેના દાદાના શબ્દોનો ઉપયોગ કરવા બદલ ડ્યૂક અને ડચેસની ટીકા કરી છે. નડિલેકાએ કહ્યું હતું કે,‘હેરીએ પ્રમાણભૂત બનવાની જરૂર છે અને પોતાની સ્ટોરીને જ વળગી રહેવું જોઈએ. આની સાથે મારા દાદાના જીવનની શું સુસંગતતા છે? હું માનતી નથી કે તેઓ અથવા મેગન મારા દાદાને બરાબર મળ્યાં પણ હોય. કદાચ હેરી નાનો હોય ત્યારે બકિંગહામ પેલેસમાં મળ્યા હોઈ શકે. મન્ડેલા પરિવારને કોઈ જ લાભ મળ્યા વિના લોકોને આકર્ષવા અને લાખોની કમાણી કરવા તેમના ક્વોટેશન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે.’
નડિલેકાએ કહ્યું હતું કે, નેલ્સન મન્ડેલા ફાઉન્ડેશને આ પહેલને ટેકો આપ્યો છે પરંતુ, લોકોએ વર્ષોથી મારા દાદાના અવતરણોની ચોરી કરી છે અને તેમનું નામ વેચાતું હોવાનું જાણવા સાથે તેમના વારસાનો ઉપયોગ કર્યો છે. હેરી અને મેગન પણ તેમનાથી અલગ નથી.
હેરી અને મેગનની છ ભાગની ડોક્યુસિરીઝમાં રોયલ પરિવાર દ્વારા ખરાબ વ્યવહાર કરાયાના શ્રેણીબદ્ધ આક્ષેપોથી સર્જાયેલા વમળો પછી નવા વર્ષની પૂર્વસંધ્યાએ આ ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ દ્વારા રજૂ કરાઈ છે.