કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકામાં રંગભેદી સરકારના શાસનનો અંત આવ્યા પછી 1994માં પ્રથમ અશ્વેત પ્રેસિડેન્ટ બનેલા અશ્વેત મહાનાયક નેલ્સન મન્ડેલા જ્યારે રંગભેદી સરકારની જેલમાં વર્ષો સુધી ગોંધાઈ રહ્યા ત્યારે પ્રિઝન ગાર્ડ ક્રિસ્ટો બ્રાન્ડે તેમની સાથે મિત્રાચારી કેળવી હતી જેનો વારસો તેઓ આજે પણ જાળવી રહ્યા છે. ચાર દાયકા જૂની આ મિત્રતા કેદીઓ સાથે ગરિમાપૂર્ણ વર્તન દાખવવાનો સદ્ગુણ દર્શાવે છે.
ક્રિસ્ટો બ્રાન્ડે 1978માં ગત સદીના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એકની ચોકી કરવા માંડી ત્યારે તેની વય 19 વર્ષની હતી. તેને કહેવાયું હતું કે પ્રિઝન કોલોની રોબેન આઈલેન્ડની ‘જેલની લાદી પર સૂતેલો વ્યક્તિ તારા દેશને ઉખાડી ફેંકવાનો પ્રયાસ કરતો ત્રાસવાદી છે.’ બ્રાન્ડે અગાઉ કદી નેલ્સન મન્ડેલાનું નામ સાંભળ્યું ન હતું અને તેને કેદી માટે દિલગીરી ઉપજી હતી અને ટુંક સમયમાં તે મન્ડેલાની નિકટ પહોંચી ગયો હતો. તેઓ દિવસરાત મન્ડેલાની સાથે જ રહેતા હતા. કેદી નંબર 466/64 સાથે 16 વર્ષ વીતાવ્યા પછી પણ કેદી મન્ડેલા બ્રાન્ડને કરિશ્માપૂર્ણ લાગ્તા હતા. બ્રાન્ડ પહેલા તો મન્ડેલાના પ્રિઝન ગાર્ડ હતા અને મન્ડેલા 1994માં દેશના પ્રથમ અશ્વેત પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા પછી તેમની સરકાર માટે કામ કરતા થયા અને છેલ્લે મન્ડેલાના ફ્યુનરલમાં પારિવારિક મિત્ર તરીકે હાજર રહ્યા હતા.
ક્રિસ્ટો બ્રાન્ડ કહે છે કે,‘ મન્ડેલા જ્યારે જેલમાં હતા ત્યારે તેમણે માર્ટિન લ્યુથર કિંગ અને ગાંધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ તેમના નકશેકદમ પર ચાલવા અને પરિવર્તન લાવવા પ્રયાસરત હતા.’મન્ડેલા મહાન કાર્ય સાથે સંકળાયેલા હોવાં છતાં, તેમની નજીકના લોકોને મદદ કરવામાં રસ લેતા હતા.
નેલ્સન મન્ડેલાએ પોતાના સંસ્મરણો ‘લોંગ વોક ટુ ફ્રીડમ’ પોતાની આઝાદી પછી પણ પોતાના પ્રિઝન ઓફિસરને શા માટે સાથે રાખ્યા તેની વાત કરી છે. મન્ડેલાએ લખ્યું છે કે,‘ જેમણે મને સળિયા પાછળ ગોંધી રાખ્યા તેમના સહિત લોકોમાં માનવતા હોવાની મારી માન્યતાને મિ. બ્રાન્ડે પ્રબળ બનાવી વધુ જીવંત રાખી છે.’ મન્ડેલાએ સાઉથ આફ્રિકન નેતાગીરી સાથે તેમના ઈચ્છિત સુધારાઓ વિશે વાટાઘાટો ચાલુ રાખી હતી અને 1990માં જેલમુક્ત થયા હતા. આના પરિણામે થોડા વર્ષો પછી દેશમાં સૌપ્રથમ વખત લોકશાહી ઢબે ચૂંટણી થઈ હતી. મન્ડેલાના મૃત્યુને એક દાયકો થઈ ગયા પછી પણ મિ. બ્રાન્ડ કહે છે કે આ નેતાનો આત્મા તેમણે આપેલા ઉપદેશોમાં ઉછરી રહ્યો છે. ‘લોકો તેમના વારસાને પ્રસારિત કરી રહ્યા છે. હું પણ તેમની કથા કહેવાનો પ્રયાસ કરું છું.’
નિવૃત્ત ક્રિસ્ટો બ્રાન્ડ જેલના સળિયા પાછળ રચનાત્મક સંબંધોનું નિર્માણ કરી કેદીઓને ફરી અપરાધ કરતા અટકાવવાનું કામ કરતી પ્રિઝન રિફોર્મ ચેરિટી ‘અનલોક્ડ ગ્રેજ્યુએટ્સ’ સાથે કામ કરતા નિવૃત્ત ક્રિસ્ટો બ્રાન્ડ પ્રિઝન ઓફિસર્સને તેમની ચોકી હેઠળના લોકો સાથે સંબંધ રાખવા પ્રોત્સાહિત કરે છે.