નૈરોબીઃ કેન્યાના પ્રમુખ કેન્યાટ્ટાએ નૈરોબીના લંગાટામાં અલ જામિયા તુસ સૈફિયા એટલે કે અરેબિક અકાદમીના નવા કેમ્પસનું તાજેતરમાં ઉદઘાટન કર્યું હતું. ખરેખર જે ઈસ્લામ છે, તેના પ્રતિનિધિ તરીકે શાંતિ અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવા વ્હોરા સમાજ તથા તેમના ધર્મગુરુ ૫૩મા અલ દાઈ અલ મુત્લાક અને દાઉદી વહોરા સમાજના વડા ડો. સૈયદના મુફાદલ સૈફુદ્દીનને પ્રેમ, સંવાદિતા અને ભાઈચારાનો સંદેશો ફેલાવવામાં પ્રદાન આપવા બદલ કેન્યાની સરકારે બિરદાવ્યા હતા. આ અરેબિક અકાદમીના કેમ્પસના ઉદઘાટન માટે કેન્યાના પ્રમુખ ઉરુ કેન્યાટા અને હિઝ હોલીનેસ ડો. સૈયદના મુફાદલ સૈફુદ્દીન સહિત વ્હોરા સમાજના દસ હજારથી વધુ સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
અલ જામિયા તુસ સૈફિયાહના નવા કેમ્પસના ઉદઘાટનની ઐતિહાસિક ક્ષણના અનેક મહાનુભાવો સાક્ષી બન્યા હતા. ૨૦મી એપ્રિલે યોજાયેલા આ સમારોહમાં કેન્યાના પ્રમુખ કેન્યાટ્ટા કેમ્પસમાં પધાર્યા ત્યારે કબૂતરો હવામાં ઊડાડીને તેમને આવકાર આપવામાં આવ્યો હતો. કબૂતરો શાંતિના પ્રતીક છે ત્યારે વ્હોરા સમાજે કબૂતરો ઊડાડીને વિશ્વશાંતિ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેમ્પસના મુખ્ય પ્રવેશદ્વારમાં આવેલા કુરાનિક બાગમાં હિઝ હોલીનેસ ડો. સૈયદના મુફદલ સૈફુદ્દીનની સાથે કેન્યાના પ્રમુખે એક છોડ રોપીને પર્યાવરણના જતનને અગ્રીમતા આપી હતી.
કેમ્પસની મધ્યમાં આવેલા કુરાનિક કળા અને વિજ્ઞાનનો અભ્યાસ કરવાના કેન્દ્ર એવા મહાદ અલ ઝાહરાના પ્રવેશદ્વારે બંને મહાનુભાવોના હસ્તે ઉદધાટન થયું હતું.
દાઉદી વ્હોરા સમાજના વડા ડો. સૈયદના મુફદલ સૈફુદ્દીને આ નિમિત્તે જણાવ્યું હતું કે અનેક શહેરોમાંથી અરેબિક અકાદમી સ્થાપવા માટે વિનંતી મળી હતી, પરંતુ મારા પિતા ડો. સૈયદના મોહમ્મદ બુરાહનુદ્દીને નૈરોબીને પસંદ કર્યું હતું.
કેન્યાના પ્રમુખ કેન્યાટ્ટા તથા હિઝ હોલીનેઝ ડો. સૈયદના મુફાદલ સહિતના આગેવાનોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોના સંબોધન પહેલાં ઓડિટોરિયમમાં વ્હોરા સમાજ અને બહુધા સમાજના હિતમાં અલ જામિયાની ભૂમિકા તેમજ તેના પ્રદાનની ઝાંખી કરાવતી ટૂંકી ફિલ્મ દર્શાવાઈ હતી. એ ફિલ્મ નિહાળ્યા બાદ વક્તવ્યનો પ્રારંભ કેન્યાના શિક્ષણ મંત્રાલયના કેબિનેટ સેક્રેટરી ફ્રેડ મટીઆન્ગીએ કર્યો હતો.
નૈરોબીના લંગાટામાં આ સંસ્થા સ્થાપવા બદલ વ્હોરા સમાજને બિરદાવ્યો હતો. માનવ સમાજ માટે સારું થઈ શકે એ માટેના પ્રયાસો માટે કેન્યાની સરકાર તેમજ વ્હોરા સમાજ વચ્ચે હૂંફાળા અને ભાઈચારાવાળા સંબંધમાં તમારી હાજરીથી સોનામાં સુગંધ ભળી હોવાનું ડો. સૈયદના સૈફુદ્દીન કેન્યાના પ્રમુખ કેન્યાટ્ટાની હાજરીને બિરદાવતા કહ્યું હતું. કેન્યાના પ્રમુખ કેન્યાટ્ટાએ વ્હોરા સમાજ ખરેખ ઈસ્લામનું પ્રતિનિધિત્વ કરતો હોવાનું જણાવી અસહિષ્ણુતા અને શાંતિને પ્રોત્સાહન આપતા વ્હોરા સમાજની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં ઈસ્લામ હિંસાનો નહીં પણ શાંતિનો ધર્મ હોવાનું દર્શાવવા ઉપરાંત સાથે મળીને કામ કરવા માટે તેમણે આહ્વાન કર્યું હતું.
કેન્યાના લોકો સાથે વણાઈ ગયેલા વ્હોરા સમાજના લોકોને પણ તેમણે બિરદાવ્યા હતા. તેમણે હિઝ હોલીનેસને જણાવ્યું કે તમે કેન્યાને તમારું બીજું નિવાસ બનાવો. હું તમને હવે પછી પણ મળીશ અને અમારા દેશમાં તમને આવકારીએ છીએ.