લંડન
કેન્યાની રાજધાની નૈરોબીમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયાં હતાં. નૈરોબીમાં છેલ્લા એક સપ્તાહમાં ઇમારત ધરાશાયી થવાની આ બીજી ઘટના છે. કેન્યાના એક સાંસદે બહુમાળી નિર્માણાધીન ઇમારત ધરાશાયી થવા માટે ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો છે. કિયામ્બા બેઠકના સાંસદ જુગુના કાવાન્જિકુએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ભ્રષ્ટાચારી માલિકોને લોકો ઓળખે છે તેથી આ પ્રકારની પ્રોપર્ટી ખરીદવા કોઇ ઇચ્છતું નથી. તેમની પાસે સત્તા છે. તેમની પાસે લાંચ આપવા માટે પુષ્કળ નાણા છે. આપણે નેશનલ કન્સ્ટ્રક્શન ઓથોરિટીને વધુ સત્તાઓ આપીને મજબૂત બનાવવી જોઇએ. અત્યારે તેની પાસે આ પ્રકારની ઇમારતો તોડી પાડવાની કોઇ સત્તા નથી.
નૈરોબીના રુઆકા વિસ્તારમાં આવેલી આ નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઇને બાજુના એક મકાન પર પડી હતી. મકાનના કાટમાળમાં દટાયેલા એક પરિવારના 3 સભ્યોને જીવતા બહાર કઢાયા હતા. નૈરોબીમાં ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. ભ્રષ્ટાચારી બિલ્ડરો તમામ પ્રકારના નિયમો નેવે મૂકીને ઇમારતો બાંધી રહ્યાં છે.