નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ જણાવ્યું હતું કે આફ્રિકા ત્રિભેટે આવીને ઉભું છે. એક બાજુ તે તેની યુવા વસતિ અને આર્થિક સુધારા દ્વારા આર્થિક લાભ ઉઠાવી શકે તેમ છે જ્યારે બીજી બાજુ આફ્રિકા ખંડના તમામ ૫૪ દેશોની સાથે વધી ગયેલા આતંકવાદ અને બળવાખોરીના પડકારોનો સામનો કરી રહ્યું છે. ઘાનાના પ્રેસિડેન્ટ નાના અકુફો - એડોએ કેટલાંક આફ્રિકન દેશોની પ્રાદેશિક અખંડિતતા સામે ઘણાં પડકારો હોવાનું અને ઘણાં નાગરિકો ગંભીર ચેતવણીઓનો સામનો કરી રહ્યા હોવાનું તથા કેટલાંક દેશોના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં જ નહીં પણ તેની બહારના વિસ્તારોમાં પણ કેટલાંક તત્ત્વોના હિતોને લીધે પરિસ્થિતિ વણસે તેવી ચિંતા જણાવી હતી.
સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટરેસે પણ આફ્રિકાના ઘણાં દેશોમાં લશ્કરે સત્તા છીનવી લીધી છે તેમાં અને કોવિડ મહામારીને લીધે ગરીબી, અસમાનતા અને સંઘર્ષના તમામ કારણો વધી ગયા છે ત્યાં ચિંતાજનક વલણ હોવાનો નિર્દેશ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર અને આફ્રિકન યુનિયન વચ્ચે સહકાર અંગેની યુએન સિક્યુરિટી કાઉન્સિલની વર્ચ્યુઅલ બેઠકમાં તેમના વક્તવ્યોએ આફ્રિકા ખંડ જે પડકારો અને સંઘર્ષનો સામનો કરી રહ્યો છે તેના પર પ્રકાશ ફેંક્યો હતો. આ ખંડમાં પાંચ ટકાથી પણ ઓછી વસતિનું કોવિડ – ૧૯ વેક્સિનેશન કરાયું છે.
બેઠકનું અધ્યક્ષપદ સંભાળી રહેલા કેન્યાટાએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ફંડિંગ મેળવતા સ્થાનિક આતંકી જૂથોને લીધે આફ્રિકા સમક્ષ ગંભીર સામાજિક – આર્થિક પડકારો ઉભાં થયા છે. તાજેતરમાં બળવાઓને લીધે તેમાં વધારો થયો છે. મહામારીની ગંભીર વિપરિત અસરને લીધે લાખો આફ્રિકનો ફરી ગરીબીમાં ધકેલાયા છે.