બારડોલીઃ હાલ સાઉથ આફ્રિકામાં વસતા દક્ષિણ ગુજરાતના એનઆરઆઇની વતનમાં આવેલી લગભગ ૧૨ વીઘા જમીન બોગસ સોદાચિઠ્ઠીના આધારે વેચી નાખવાનો પ્રયાસ કરનાર ત્રણ ભાઇઓની પોલીસે ધરપકડ કરી છે. પલસાણા તાલુકાના અંભેટી ગામની સીમમાં બ્લોક નં ૪૯૭ તથા ૪૧૬ની ૩૬,૫૨૩ ચોરસ મીટર જમીન હાલ સાઉથ આફ્રિકાના કેપ્ટાઉનમાં રહેતા અરુણ રતનજી પટેલ ગામના એનઆરઆઈના નામે છે. અરુણભાઇની આ વડીલોપાર્જિત જમીન પર ઠાકોરભાઈ માધવભાઈ રાઠોડ, નટુભાઈ માધવભાઈ રાઠોડ અને ગુર્જનભાઈ માધવભાઈ રાઠોડની નજર બગડી હતી. આથી તેઓ બોગસ સોદાચિઠ્ઠી બનાવીને મહેસૂલ ભરતા હતા. આ પછી તેમણે જમીન વેચવાની પેરવી કરતા ૩૦ એપ્રિલે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી, જેના આધારે પોલીસે ત્રણેય ભાઈઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.