પશ્ચિમ આફ્રિકામાં ઈબોલા જેવા ઘાતક વાયરસ મારબર્ગનો પ્રથમ કેસ નોંધાયો હતો. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આ વાયરસનો ઘાતકતા દર ૮૮ ટકા છે અને તે ખૂબ લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે. WHO મુજબ અગાઉ આ વાઈરસ સાઉથ આફ્રિકા, અંગોલા, કેન્યા, યુગાન્ડા અને કોંગોમાં દેખાયો હતો. પરંતુ પશ્ચિમ આફ્રિકામાં પહેલી વખત આ વાઈરસ દેખાયો છે. આ વાઇરસની કોઈ સારવાર કે વેક્સિન નથી.
સિએરા લિયોન અને લાઇબેરિયાની સરહદ નજીક ગુંએકેડોઉ પ્રાંતમાં ગીનીયાની એક વ્યક્તિમાં આ વાઇરસ દેખાયો હતો. તે પહેલી ઓગસ્ટે નજીકના ગામના હેલ્થ સેન્ટર પર ગયો હતો તે પહેલા ૨૫મી જુલાઈએ તેને આ લક્ષણો જણાયા હતા. બીજા દિવસે અન્ય ચાર લોકો સાથે તેનું મૃત્યુ થયું હતું. તે લોકોમાં આ વાઇરસના કોઈ લક્ષણ ન હતા. ગિનીઆને ઈબોલા મુક્ત જાહેર કરાયું તેના બે મહિનામાં આ કેસ નોંધાયો હતો. WHO દ્વારા જણાવાયું હતું કે આ સંક્રમણના સ્રોતો અને અન્ય સંભવિત સંપર્કોને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ વાઇરસ અગાઉ જર્મનીમાં ફ્રેન્કફર્ટ અને માર્ગમાં અને સર્બિયાના બેલગ્રેડમાં ૧૯૬૭માં દેખાયો હતો. આ રોગચાળાને યુગાન્ડાથી આયાત કરાયેલા આફ્રિકન ગ્રીનમંકીઝનો ઉપયોગ કરતી લેબ સાથે સંબંધ છે. આફ્રિકા માટેના WHO ના રિજનલ ડિરેક્ટર ડો.માત્સીદીશો મોએતીએ જણાવ્યું હતું કે આ વાઇરસની ક્ષમતાને જોતા આપણે તેને અટકાવવાની જરૂર છે. અમે હેલ્થ ઓથોરિટી સાથે મળીને વળતા પગલાં વિશે તૈયારી કરી રહ્યા છીએ.