નાઈરોબીઃ પશ્ચિમ કેન્યામાં પથ્થર યુગના સૌથી પ્રાચીન ઈસ્ટ આફ્રિકન ઓજારોની શોધ કરાઈ છે. નેશનલ મ્યુઝિયમ્સ ઓફ કેન્યા, સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ્સ ઓફ નેચરલ હિસ્ટરી અને ક્વીન્સ કોલેજના વિજ્ઞાનીઓના નવા સંશોધને ઈતિહાસમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શોધ સાથે ઓલ્ડોવાન ટૂલકિટ તરીકે ઓળખાતા પથ્થર યુગના ઓજારો સૌપ્રથમ કોણે બનાવ્યા તેની ચર્ચા નવેસરથી શરૂ થઈ છે.
નવા સંશોધને દર્શાવ્યું છે કે પશ્ચિમ કેન્યામાં પ્રારંભિક માનવો દ્વારા 2.9 મિલિયન વર્ષ અગાઉ આ સાધનો ઉપયોગમાં લેવાયા હતા જેનાથી સંશોધકોને ભારે આશ્ચર્ય થયું છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે ઈસ્ટ આફ્રિકન પ્રદેશમાં સૌથી પ્રાચીન ઓલ્ડોવાન ટૂલકિટનો સમયગાળો 2.6 મિલિયન વર્ષની આસપાસનો હતો.
ઓલ્ડોવાન ટૂલકિટમાં પાતળા ટુકડા, હથોડી અને નળાકાર જેવા પથ્થરનો સમાવેશ થાય છે. પશ્ચિમ કેન્યાના હોમા પેનિન્સ્યૂલા બેઝિનના પ્રાચીન કસાઈખાના સ્થળેથી મળેલા પથ્થરો દર્શાવે છે કે માંસ, બોન મેરો અને છોડવા સહિતના ખોરાક અને વિવિધ સામગ્રીના પ્રોસેસિંગ માટે તેનો ઉપયોગ થતો હતો. વિજ્ઞાનીઓ કહે છે કે દાંત અત્યાર સુધીમાં મળેલાં સૌથી પ્રાચીન પેરેન્થ્રોપસ ફોસિલ્સ છે અને પથ્થરના ઓજારોની નજીક તેમની હાજરી નવી ચર્ચા શરૂ કરશે કે માનવીના કયા ઉત્ક્રાંતિવાદી પૂર્વજે આ ઓજારો બનાવ્યા હશે.