અંકલેશ્વરઃ સુરતના કોસંબા-હથુરણના રહીશ અને છેલ્લા દસ વર્ષથી પિતાના મૃત્યુ બાદ માતા સાથે પાનોલીના રહેવાસી ૩૦ વર્ષીય યુવાન શૌકત સાફી શાહનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના લેન્સ ખાતે ૧૫મી એપ્રિલે ગોળી વાગતાં મોત નીપજ્યું છે. શૌકતના મોતના સમાચાર મળતાં પાનેલીમાં તેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. શૌકત નોકરી અર્થે ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકા ગયો હતો.
શૌકતની હત્યા અંગે તેના પરિચિતો કહે છે કે, શૌકત અગાઉ પણ દક્ષિણ આફ્રિકા જઈ આવ્યો હતો. હથુરણનો સોહેલ સાલેહ અને અન્ય એક શખ્સ પણ ગયા હતાં. જોકે, સોહેલ સાલેહનો ભાઈ બિલાલ સાલેહ હાલ દુબઈમાં ખોટા કામ કરે છે. આ ખોટા કામમાં શૌકત નડતરરૂપ હતો એટલે બિલાલ, સોહેલ અને અન્ય એક શખ્સે મળીને શૌકતની હત્યા કરી નાંખી હોવાની આશંકા છે. શૌકતની હત્યા કરવા માટે બિલાલ ખાસ દુબઈથી આફ્રિકા ગયો હતો અને શૌકતને મોતને ઘાટ ઉતારી ફરી દુબઈ પહોંચી ગયો હતો. દ. આફ્રિકા પોલીસે સોહેલ સહિત બે વ્યક્તિની ધરપકડ કરી હતી જ્યારે બિલાલને વોન્ટેડ જાહેર કર્યો હતો.