જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ડર્બન વિસ્તારમાં 443જેટલા લોકોનો ભોગ લેનારા વિનાશક પૂરની ઘટના બાદ ચીનના દૂતાવાસ તરફથી દક્ષિણ આફ્રિકા સરકારને 66 396 ડોલરની સહાય પહોંચાડવામાં આવી છે. જોકે, દક્ષિણ આફ્રિકાને દાન પહોંચાડનાર માત્ર ચીન જ નથી, આફ્રિકન યુનિયને પણ મંગળવારે દક્ષિણ આફ્રિકાના પૂર અસરગ્રસ્તોને સહાય માટે પોતાના કઈમર્જન્સી ફંડમાંથી 150,000 ડોલર આપવાની જાહેરાત કરી છે.
પ્રમુખ સિરિલ રામફોસાએ ભીષણ પૂરના પગલે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ કુદરતી હોનારતના કારણે સર્જાયેલી સ્થિતિમાં હજારો લોકો બેઘર બન્યા છે, સંપત્તિ-ઘરો અને રહેઠાણો નાશ પામ્યાં છે તથા માળખાકીય સુવિધાઓને પણ ભારે હાનિ પહોંચી છે. તેવા તબક્કે આ બધું પુનઃ ઊભું કરવામાં કેટલી રકમ જોઈશે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. વિનાશક પૂરના કારણે ગુમ થયેલા લોકોની શોધખોળ જારી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુમ થયેલા ૬૩ જેટલા લોકોને હજી શોધી શકાયા નથી.
ચીનના રાજદૂત શેન શિયાદોંગે જણાવ્યું કે, ક્વાઝુલુ-નેતાલ પ્રાંતમાં ત્રાટકેલા આ કુદરતી પ્રકોપના પગલે અસર પામેલા દક્ષિણ આફ્રિકન લોકોને સહાય પૂરી પાડવાના પ્રયાસોના ભાગરૂપે આ રકમ જાહેર કરાઈ છે. બીજી તરફ, ચીનના આ પગલા અંગે લોકોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળે છે. કેટલાક આને આ સારું પગલું ગણાવે છે, તો કેટલાકના મતે ચીન મોટી તક હાંસલ કરવાની ફિરાકમાં છે.