લંડન
પૂવ આફ્રિકામાં ભીષણ દુકાળના કારણે લાખો લોકો દારૂણ ભૂખમરામાં ધકેલાઇ રહ્યાં છે. ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીના ચેરમેન અને સીઇઓ ડેવિડ મિલિબેન્ડે ઇથિયોપિયાના સોમાલી વિસ્તારમાં દુકાળના કારણે અસરગ્રસ્ત અને વિસ્થાપિત સમુદાયોની મુલાકાત લીધી હતી. બ્રિટનના પૂર્વ વિદેશમંત્રી એવા મિલિબેન્ડે જણાવ્યું હતું કે, ઇસ્ટ આફ્રિકાના દેશોમાં ગંભીર બની રહેલી ભૂખમરાની સમસ્યા સામે તાકિદે મદદની જરૂર છે. પૂર્વ આફ્રિકાના દેશોમાં છેલ્લા કેટલાક દાયકાના ગંભીર દુકાળે લાખો લોકોને ભૂખમરાની કગાર પર લાવી દીધાં છે. તેમના પાક નિષ્ફળ ગયાં છે અને તેમના જીવનો જેના પર આધારિત છે તેવા પશુઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે.
મિલિબેન્ડે ઇજિપ્તમાં આયોજિત ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભાગ લઇ રહેલા વિવિધ દેશોના આગેવાનોને આ સમસ્યા પર તાકિદે ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ લોકો ક્લાઇમેટ ચેન્જના દુષ્પરિણામોનો ભોગ બની રહ્યાં છે.
વિશ્વભરમાં ખાદ્યાન્ન અસુરક્ષા ઝડપથી વધી રહી છે
સમગ્ર વિશ્વમાં ખાદ્યાન્ન અસુરક્ષા ઝડપથી વધી રહી છે. ડબલ્યુએફપીના એક રિપોર્ટ અનુસાર 9,70,000 લોકો ભૂખમરાના કારણે મોતના મુખમાં ધકેલાઇ જવાની સંભાવના છે. અફઘાનિસ્તાન, ઇથિયોપિયા, સાઉથ સુદાન, સોમાલિયા, યમનમાં વસતીનો મોટો ભાગ ભૂખમરાનો સામનો કરી રહ્યો છે.