પ્રિટોરિયાઃ ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા પરિવારના આરોપીઓને કથિત રીતે મદદ પહોંચાડી હોવાના આરોપસર દક્ષિણ આફ્રિકાના 80 વર્ષીય પૂર્વ પ્રમુખ જેકબ ઝુમા સામે તપાસ જારી છે. તપાસ-સમિતિના અહેવાલ અનુસાર, ઝુમાએ રાષ્ટ્રહિતને બાજુ પર મૂકીને આરોપીઓ ગુપ્તા બંધુઓનાં હિતોને કથિત રીતે રક્ષણ આપ્યું હતું.
તપાસના નવા અહેવાલમાં દક્ષિણ આફ્રિકાને 90 ટકાથી વધુ વીજ-પુરવઠો પૂરો પાડતી સરકારી વીજકંપની એસ્કોમમાં આર્થિક ગેરરીતિ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જજ રેમન્ડ ઝોન્ડોના વડપણ હેઠળના ભ્રષ્ટાચારવિરોધી પંચે રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું છે કે, ગુપ્તા બંધુઓએ એસ્કોમનો કબ્જો લઈ લેવા માટે યોજના ઘડી હતી અને પ્રમુખ ઝુમાએ તેમને મદદ કરી હતી. પૂર્વ પ્રમુખના તંત્ર દ્વારા કન્સલ્ટન્સી એકમોની સાથે 96 મિલિયન યુરો (1.6 બિલિયન રેન્ડ) કરતાં વધારે રકમના અનિયમિત કરારો થયા હોવાની દહેશત હોવાથી જજ ઝોન્ડોએ પૂર્વ સરકારના તંત્ર ઉપર ફોજદારી કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, પોતાની સત્તાના પ્રથમ સત્રથી જ પ્રમુખ ઝુમાએ ગુપ્તા બંધુઓને મદદ શરૂ કરી દીધી હતી.