કમ્પાલાઃ પૂર્વ યુગાન્ડામાં માઉન્ટ એલ્ગોનની તળેટીમાં ભારે પૂરના કારણે મ્બાલે ટાઉનની આસપાસ ઓછામાં ઓછી 30 વ્યક્તિના મોત થયાં હોવાનું સરકાર અને યુગાન્ડા રેડ ક્રોસ દ્વારા જણાવાયું છે. આશરે 400,000 લોકો પીવાના ચોખ્ખાં પાણી વિના ટળવળી રહ્યા છે તેમજ ગટર વ્યવસ્થાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આના પરિણામે ભારે રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે.
વોટરએઈડ યુગાન્ડા સંસ્થાએ જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. યુગાન્ડામાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં એક અને 500,000થી વધુ વસ્તી સાથેના મ્બાલે ડિસ્ટ્રિક્ટની બે નદીઓના કાંઠા પરથી પૂરજોશમાં વહેતા પાણીના લીધે કાદવ અને ભૂસ્ખલનનું જોખમ સર્જાયા પછી મ્બાલે સિટીમાંથી 5,600 લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે અને રસ્તાઓ, મકાનો, પૂલો અને શાળાઓનો પણ નાશ થયાના અહેવાલો છે. આ વિસ્તારમાં 400,000 લોકો નેશનલ વોટર ગ્રીડથી કપાઈ જતા પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે. લેટ્રિન્સ અને ગટર વ્યવસ્થાને નુકસાન પહોંચવાના કારણે વાતાવરણ પ્રદુષિત બન્યું છે. આ ઉપરાંત, 5,000 એકર જમીનમાં પાક ધોવાઈ જવાથી ખાદ્યાન્ન તંગી પણ ઉભી થઈ શકે છે. મ્બાલે સિટી રિસ્પોન્સ ટીમ દ્વારા 200 મોબાઈલ ટોઈલેટ્સ, હાથ ધોવાની સુવિધાઓ અને વોટર ટ્રીટમેન્ટ ટેબ્લેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
બીજી તરફ, ઉત્તરમાં કારામોજા વિસ્તાર તીવ્ર દુકાળ છે જેની અસર હોર્ન ઓફ આફ્રિકા વિસ્તારમાં વર્તાઈ છે.