અકરાઃ આફ્રિકી દેશ ઘાનામાં ૨૮મી ઓક્ટોબરે એક આકરો કાયદો પસાર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દો છોડ્યા બાદ પણ સરકારી બંગલો ખાલી નહીં કરે તો તેમને બળજબરીથી બહાર કાઢી શકાશે. ઘાનામાં આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જોન મહામા વિરુદ્ધ નાના આકુપો આદો વિપક્ષના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. યોગાનુયોગ મહામા તેના પોતાના ઘરમાં રહે છે કારણ કે સરકારી બંગલાનું નવીનીકરણ ચાલી રહ્યું છે. નવા કાયદા અનુસાર રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી નવા નેતા હોદ્દો સંભાળે તેના બે અઠવાડિયા પહેલાં સરકારી બંગલો છોડવો પડશે તેમજ ગાડી પણ પરત કરવાની રહેશે. પ્રધાનો અને અન્ય અધિકારીઓને એક મહિનાનો સમય અપાશે. નવા કાયદાના અમલથી સરકારી સંપત્તિના હસ્તાંતરણમાં થતાં વિલંબની સમસ્યા ટળશે.