કિન્હાસા, યુએનઃ ડેમોક્રેકિટ રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના નોર્થ ઈસ્ટર્ન ક્ષેત્રમાં સ્થાનિક મિલિશિયાના શ્રેણીબદ્ધ હુમલાઓ પછી 49 નાગરિકોના મૃતદેહ સામૂહિક કબરોમાં મળી આવ્યા હોવાનું યુનાઈટેડ નેશન્સ દ્વારા જણાવાયું છે. જાન્યુઆરીની શરૂઆતથી આ વિસ્તારમાં 80થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે.
યુએનના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે ન્યૂ યોર્ક ખાતે જણાવ્યું હતું કે ઈટુરી પ્રોવિન્સમાં બુનિઆ ટાઉનની 30 કિલોમીટર પૂર્વે બે ગામમાં આ કબરો મળી આવી હતી. ન્યામામ્બા ગામની સામૂહિક કબરમાં 6 બાળકો સહિત 42 વ્યક્તિના શબ મળ્યાં હતાં જ્યારે મ્બોગી ગામની કબરમાંથી સાત પુરુષના મૃતદેહ મળ્યા હતા. ગત વીકએન્ડમાં કોઓપરેટિવ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ કોંગો (CODECO) મિલિશિયા દ્વારા નાગરિકો પર હુમલાના ખબર મળતા પીસકીપિંગ દળોએ આ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. ગામડાં પરના હુમલાઓ દરમિયાન સશસ્ત્ર CODECO હુમલાખોરોએ સંખ્યાબંધ સ્ત્રીઓનું અપહરણ કર્યું હોવાનું સ્થાનિક સત્તાવાળાએ જણાવ્યું હતું.
ગત વર્ષના જૂન મહિનામાં CODECOના સાત જૂથોએ યુગાન્ડાની સરહદ નજીકના અશાંતિગ્રસ્ત ઈટુરી પ્રોવિન્સમાં નાગરિકો પર હિંસાનો અંત લાવવાની જાહેરાત કરી હતી. જોકે, પાછળથી તબક્કાવાર હુમલાઓ ફરી શરૂ કરી દેવાયા હતા. CODECO મિલિશિયા અને અન્ય સશસ્ત્ર જૂથો દ્વારા ડિસેમ્બરમાં શ્રેણીબદ્ધ હુમલાઓમાં ઓછામાં ઓછાં 195 લોકોના મોત થયા હોવાનું યુએન પ્રવક્તાએ જણાવ્યું હતું. લેન્ડુ અને હેમા કોમ્યુનિટીઓ વચ્ચે આ આંતરિક લડાઈના કારણે ઈટુરી પ્રોવિન્સમાં 1.5 મિલિયન વધુ લોકો વિસ્થાપિત બની ગયા છે. યુરોપિયન પીસકીપિંગ દળોના હસ્તક્ષેપ અગાઉ 1999-2003ના ગાળામાં હજારો લોકોએ જાન ગુમાવ્યા છે.