લીલોંગ્વેઃ મલાવીના પ્રમુખ લાઝરસ ચકવેરાએ કેટલાંક પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે દેશની આખી કેબિનેટનुं વિસર્જન કર્યું હોવાની જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી. ગયા સોમવારે મોડી રાત્રે પ્રમુખ ચકવેરાએ જણાવ્યું હતું કે તેમણે ભ્રષ્ટાચારના આરોપ હેઠળના ત્રણ પ્રધાનો અને અન્ય પબ્લિક ઓફિસરોને તેમના આરોપોનો સામનો કરવા દેવાનો નિર્ણય લીધો હતો.
ચકવેરાએ ઉમેર્યું કે તેમણે તેમની આખી કેબિનેટને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરી હતી અને બે દિવસમાં જ્યાં સુધી તેઓ નવી કેબિનેટની જાહેરાત ન કરે ત્યાં સુધી કેબિનેટના તમામ કાર્યો તેમના કાર્યાલય દ્વારા સંભાળવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે ગયા મહિને લાંચના કેસમાં ધરપકડ કરાયેલા મિનિસ્ટર ઓફ લેન્ડ્સ કેઝી મસુકવાને નવી રચાનારી કેબિનેટમાં સ્થાન અપાશે નહીં.
મ્સુકવા પર યુકે સ્થિત મલાવીયન બિઝનેસમેનને સંડોવતા જમીન સોદાઓમાંથી ફાયદો ઉઠાવવાનો આરોપ છે. દરમિયાન, લેબર મિનિસ્ટર કેન કન્ડોડો પર કોવિડ - ૧૯ ફંડ્સનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાનો આરોપ છે. જ્યારે એનર્જી મિનિસ્ટર ન્યૂટન કમ્બાલા પર ઈંધણની આયાતના સોદાઓવી ફાળવણીમાં દરમિયાનગીરી કરવાનો આરોપ છે.