કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ વિવાદાસ્પદ પગલામાં તેમના પુત્ર જનરલ મુહુઝી કાઈનેરુગાબાને દેશના સર્વોચ્ચ મિલિટરી કમાન્ડર તરીકે નિયુક્તિ આપી છે. લાંબા સમયથી એમ મનાતું રહ્યું છે કે પ્રમુખ મુસેવેની તેમના સૌથી મોટા પુત્ર મુહુઝીને પ્રમુખપદ માટે તૈયાર કરી રહ્યા છે. યુગાન્ડામાં 2026માં ચૂંટણી યોજાવાની છે.
કાઈનેરુગાબાને 21 માર્ચે નવું પોસ્ટિંગ અપાયું છે તેમજ સરકારી મંત્રીઓના રીશફલિંગમાં તેમના બે ગાઢ સલાહકારોને પ્રધાનપદ અપાયા છે. આમ પ્રમુખ મુસેવેની જનરલ કાઈનેરુગાબાની રાજકીય પ્રવૃત્તિઓને સપોર્ટ કરી રહ્યા હોવાનું જણાય છે. મુસેવેનીએ 1986માં સત્તા હાંસલ કરી હતી અને 6 વખત પ્રમુખપદે ચૂંટાયા છે પરંતુ, ક્યારે નિવૃત્ત થશે તે જાહેર કર્યું નથી. શાસક નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ પાર્ટીમાં તેમનો કોઈ હરીફ નથી અને તેમના વારસદારની પસંદગીમાં આર્મીનો અવાજ મુખ્ય રહેશે તેમ કહેવાય છે. કાઈનેરુગાબાના સમર્થકો વ્યૂહાત્મક રીતે સમગ્ર સિક્યોરિટી સર્વિસીસમાં કમાન્ડની પોઝિશન્સમાં ગોઠવાયેલા હોવાનું રાજકીય નીરિક્ષકો જણાવી રહ્યા છે.
આર્મીમાં ફરજરત ઓફિસરો પક્ષીય રાજકારણમાં ભાગ લે તેના પર યુગાન્ડામાં પ્રતિબંધ છે ત્યારે મુસેવેનીના પુત્ર મુહુઝી કાઈનેરુગાબાએ તાજેતરમાં દેશભરમાં રેલીઓ યોજી હતી. જોકે, જનરલ કાઈનેરુગાબાની દલીલ છે કે તેમનું તાજેતરમાં સ્થપાયેલું એક્ટિવિસ્ટ જૂથ પેટ્રિઓટિક લીગ ઓફ યુગાન્ડા પક્ષીય રાજકારણથી દૂર છે અને દેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિને ઉત્તેજન આપવામાં સંકળાયેલું છે.