નાઈરોબીઃ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ 2.7બિલિયન ડોલરના સૂચિત ટેક્સવધારા સામે 30થી વધુ કાઉન્ટી સહિત રાષ્ટ્રવ્યાપી વિરોધો અને હિંસક અથડામણો અને આગજનીના કારણે ફાઈનાન્સ બિલ પર સહી નહિ કરવાની જાહેરાત કરીને પીછેહઠ કરવાની ફરજ પડી છે. કેન્યામાં આર્થિક પડકારોનો સામનો કરવા ટેક્સવધારાના બદલે રુટોએ 346 બિલિયન કેન્યન શિલિંગ્સ (2.69 બિલિયન ડોલર)ના ખર્ચકાપની દરખાસ્તો રજૂ કરવા ટ્રેઝરીને આદેશ આપ્યો છે. પ્રેસિડેન્ટે ટેલિવિઝન પર પ્રસારિત પ્રવચનમાં યુવાન લોકો સાથે વાતચીતની તૈયારી પણ દર્શાવી હતી. પાર્લામેન્ટમાં ઘૂસણખોરી અને કેટલાક સ્થળોએ આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. પોલીસ સાથેની હિંસક અથડામણોમાં દેખાવકારો સહિત ઓછામાં ઓછાં 23 લોકોના મોત નીપજ્યા હતા અને સંખ્યાબંધને ઈજા પહોંચી હતી. વિરોધી પ્રદર્શનો અને દેખાવોના કારણે લશ્કરને પોલીસની મદદમાં ગોઠવવામાં આવ્યું છે.
નવેસરથી દેખાવો અને હડતાળોની હાકલ
કેન્યાના પ્રદર્શનકારીઓએ ટેક્સવધારાના વિવાદમાં નાટ્યાત્મક વિજય હાંસલ કર્યા પછી પ્રેસિડેન્ટ વિલિયમ રુટોના રાજીનામાની માગ, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતની યોજના સાથે નવેસરથી દેખાવો, ધરણા અને હડતાળોની હાકલ કરી છે. કેટલાક વિરોધીઓના મતે પ્રેસિડેન્ટ રુટોની પીછેહઠ ઘણી મોડી આવી છે. ઓનલાઈન નવા પેમ્ફ્લેટ્સ ફરી રહ્યા છે જેમાં કેન્યામાં સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમોમાં સામૂહિક રેલીઓ, રાષ્ટ્રવ્યાપી હડતાળો અને દેશના મુખ્ય શહેરોના માર્ગો પર 2 અને 4 જુલાઈએ ચક્કા જામ કરવાની હાકલો કરવામાં આવી હતી. વિલિયમ રુટો બિનશરતી રાજીનામું નહિ આપે ત્યાં વિરોધમાં પીછેહઠ નહિ થાય તેમ પણ વિરોધીઓએ જણાવ્યું છે.
રુટોના પ્રમુખપદ સામે ગંભીર પડકાર
પ્રેસિડેન્ટ વિલિયમ રુટો તેમના બે વર્ષના પ્રમુખપદ સામે સૌથી ગંભીર પડકારનો સામનો કરી રહ્યા છે. યુવાનો દ્વારા વિરોધની ચળવળ ટેક્સવધારા સામે ઓનલાઈન ટીકાઓથી આગળ વધી પખવાડિયા કરતાં ઓછાં સમયમાં તેમને હટાવવાની માગણી સાથેની સામૂહિક રેલીઓમાં ફેરવાઈ ગઈ છે. દેશવાસીઓ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આફ્રિકાના સૌથી મોટા અર્થતંત્ર અને મજબૂત લોકશાહીના નેતા તરીકે વિદેશપ્રવાસોમાં વિશ્વના નેતાઓ સાથે ખભા મિલાવી ઉભા રહેવાનું રુટોને ભારે પડી રહ્યું છે. પ્રેસિડેન્ટ રુટોએ ટેક્સવધારાના બદલે ટ્રેઝરીને 346 બિલિયન કેન્યન શિલિંગ્સ (2.69 બિલિયન ડોલર)ના ખર્ચકાપની દરખાસ્તો રજૂ કરવા તેમજ મહત્ત્વની અને આવશ્યક સેવાઓ માટે જ ભંડોળ અપાય તેમજ બજેટના 15 ટકાથી વધુ રકમ ન ખર્ચાય તે જોવાં અધિકારીઓને આદેશ આપ્યો છે. કેન્યાના ફાઈનાન્સ બિલમાં દેશના ભારે દેવાંબોજને હળવો બનાવવાના ભાગરૂપે 2.69 બિલિયન ડોલરના ટેક્સવધારાની દરખાસ્તો હતી. કેન્યામાં દેવાંના કારણે વ્યાજની ચૂકવણીઓ પાછળ જ વાર્ષિક રેવન્યુના 37 ટકા ખર્ચાઈ જાય છે.