નાઈરોબીઃ કેન્યામાં 9 ઓગસ્ટે યોજાએલી પ્રમુખપદ અને સામાન્ય ચૂંટણીના જાહેર કરાયેલા પરિણામોમાં વિલિયમ રુટોને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરાયા છે પરંતુ, પરાજિત વિપક્ષી ઉમેદવાર રાઈલા ઓડિન્ગાએ આ પરિણામને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે. સુપ્રીમ કોર્ટના જજીસ પાસે ચુકાદો જાહેર કરવા 14 દિવસનો સમય છે. જો તેઓ ચૂંટણી રદ ઠરાવશે તો 60 દિવસની અંદર ફરી ચૂંટણી કરાવવાની રહેશે. જો સુપ્રીમ કોર્ટ પરિણામને માન્ય રાખશે તો વિલિયમ રુટો 1963માં બ્રિટનથી આઝાદી મેળવનારા કેન્યાના પાંચમા પ્રમુખ બનશે.
કેન્યાના પ્રમુખપદના પરાજિત ઉમેદવાર રાઈલા ઓડિન્ગાએ 9 ઓગસ્ટની ચૂંટણીના પરિણામને પડકારતી ઓનલાઈન પિટિશન સોમવાર 22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સુપ્રીમ કોર્ટની ટ્રિબ્યુનલ પરિણામ વિરુદ્ધ અન્ય પડકારોને પણ વિચારણામાં લેશે. એક મતદારે પણ પરિણામ સામે પડકાર ફેંક્યો છે.શાસક પક્ષના સમર્થનથી ચૂંટણી લડેલા પીઢ વિપક્ષી નેતા ઓડિન્ગાએ ચૂંટણીના પરિણામને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. ઓડિન્ગાનો બે પર્સન્ટેજ પોઈન્ટથી પણ ઓછાં એટલે કે આશરે 230,000 મતથી પરાજય થયો છે. ઓડિન્ગાના સેંકડો સમર્થકો ‘વી વોન્ટ જસ્ટિસ નાઉ’ના નારા સાથે સુપ્રીમ કોર્ટની બહાર એકત્ર થયા હતા.
ચૂંટણી કમિશનમાં પણ પરિણામ મુદ્દે તડાં
કેન્યામાં ચૂંટણીનું મતદાન શાંતિપૂર્વક યોજાયું હતું પરંતુ, એક સપ્તાહ અગાઉ પરિણામ જાહેર કરાયા પછી ઓડિન્ગાના ગઢસમાન વિસ્તારોમાં ભારે વિરોધનો વંટોળ સર્જાયો હતો. કેન્યામાં 2002થી પ્રમુખપદની દરેક ચૂંટણીમાં વિવાદ સર્જાતો રહ્યો છે. આ વર્ષે તો ચૂંટણીના આયોજક ઈન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરીઝ કમિશન (IEBC)માં જ પરિણામ મુદ્દે તડાં પડ્યા છે. વિલિયમ રુટોને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરાયાની સાથે જ IEBCના સાતમાંથી ચાર કમિશનરોએ પરિણામ સાથે અસંમતિ જાહેર કરી હતી અને ચેરમેન વાફુલા ચેબુકાટી વિરુદ્ધ ગણતરી બરાબર થઈ ન હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ચેરમેન ચેબુકાટીને પરિણામ જાહેર કરવા અન્ય કમિશનરોનું સમર્થન જોઈએ કે કેમ તે બાબતે પણ કાનૂની નિષ્ણાતોમાં મતમતાંતર છે. ઓગસ્ટ 2017ની ચૂંટણી રદ કરાયા પછી IEBC સ્વચ્છ યૂંટણી યોજવા મુદ્દે ભારે દબાણ હેઠળ રહે છે.
સર્વોચ્ચ હોદ્દા માટે પાંચમી વખત ચૂંટણીમાં ઉમેદવારી કરનારા રાઈલા ઓડિન્ગાએ ઓગસ્ટ 2017માં પણ પ્રમુખપદના વિજેતા ઉહુરુ કેન્યાટા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો અને સુપ્રીમ કોર્ટ આફ્રિકામાં સૌપ્રથમ વખત ચૂંટણી રદ કરી નવેસર ચૂંટણીનો આદેશ આપ્યો હતો. ઓગસ્ટ 2017ની ચૂંટણીમાં કેન્યાટાને 54 ટકા અને ઓડિન્ગાને 45 ટકા મત મળ્યા હતા. જોકે, ઓડિન્ગાએ નવેસરથી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ઓડિન્ગાએ કહ્યું છે કે તેમની સાથે છેતરપીંડી કરી તેમને 2007, 2013 અને 2017ની ચૂંટણીઓમાં વંચિત રાખવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય આખરી
કેન્યાના સૌપ્રથમ મહિલા ચીફ જસ્ટિસ માર્થા કૂમે ઈલેક્શન પિટિશન સુનાવણીનું વડપણ સંભાળશે. 2010ના બંધારણ હેઠળ રચાયેલી સુપ્રીમ કોર્ટ બંધારણના અર્થઘટન અને આખરી લવાદ તરીકે દેશની સર્વોચ્ચ કાનૂની સંસ્થા છે. તેના ચુકાદા આખરી અને બંધનકારી રહે છે. સુપ્રીમ કોર્ટમાં પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ અને અન્ય પાંચ જજનો સમાવેશ થાય છે. આ જજીસની સત્તાવાર નિયુક્તિ દેશના વડા દ્વારા કરાય છે પરંતુ, જજીસની પસંદગીની સત્તા તેમની પાસે હોતી નથી. ખુલ્લી નોમિનેશન પ્રક્રિયા અને ન્યાયતંત્ર દ્વારા જાહેર સુનાવણીઓ પછી ઉમેદવારોના નામ મંજુરી માટે પ્રેસિડેન્ટ સમક્ષ જાય છે.