જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં 1970ના દાયકામાં રંગભેદવિરોધી ચળવળમાં જોડાયેલા અને પાછળથી ચૂંટાયેલી લોકશાહી સરકારમાં ઉચ્ચ સત્તાએ પહોંચેલા પ્રવીણ ગોરધનનું કેન્સર સામે લડાઈ પછી 75 વર્ષની વયે હોસ્પિટલમાં અવસાન થયું છે. તેમણે મૃત્યુના થોડા મહિનાઓ પહેલા જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી.
તેઓ જૂન મહિના સુધી પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા હેઠળ કેબિનેટ મિનિસ્ટર હતા. તેમણે ગત 15 વર્ષમાં બે મુદત (2009 - 2014અને 2015 - 2017) સુધી નાણાપ્રધાનની કામગીરી ઉપરાંત, અનેક વિભાગમાં મંત્રીપદ સંભાળ્યા હતા. તેમણે એક સમયના સાથી અને તત્કાલીન પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાના ભ્રષ્ટાચાર અને કૌભાંડો સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. જેના પરિણામે ઝૂમાએ 2017માં તેમની નાણામંત્રીના પદ પરથી હકાલપટ્ટી કરી હતી. પ્રેસિડેન્ટ રામફોસાએ જણાવ્યું હતું કે ગોરધન અમારી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સન્માનીય ચહેરો હતા. જાહેર સ્રોતોનો દુરુપયોગ કરનારાઓ વિરુદ્ધ ન્યાયની લડાઈ લડી રહ્યા હતા.
ભારતીય મૂળના પ્રવીણ ગોરધનનો જન્મ 1949માં થયો હતો. તેઓ તરૂણાવસ્થાથી રંગભેદના વિરોધમાં ડર્બનમાં નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ સાથે એક્ટિવિસ્ટ તરીકે જોડાયા પછી આફ્રિકન નેશનલ કોંગ્રેસ અને સાઉથ આફ્રિકન કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે પણ જોડાયા હતા. તેમણે 1973માં યુનિવર્સિટી ઓફ ડર્બન-વેસ્ટવિલેમાંથી ફાર્મસીની ડીગ્રી મેળવી હતી પરંતુ, રંગભેદવિરોધી સક્રિયતાના કારણે 1981માં ડર્બનની કિંગ એડવર્ડ VIIIહોસ્પિટલ સાથે તેમની મુદતનો અંત આવ્યો હતો. તેઓ 1980ના દાયકામાં આફ્રિકન નેશનલ કોંગ્રેસના ભૂગર્ભ માળખામાં સામેલ થયા હતા.
નેલ્સન મંડેલા જેલમુક્ત થયા પછી 1994ની નવી લોકશાહી સરકારની રચનાની સમજૂતી કરનારી ટીમમાં પણ પ્રવીણ ગોરધન સામેલ હતા. તેમણે 1999થી 2009ના ગાળામાં સાઉથ આફ્રિકા રેવન્યુ સર્વિસીસના વડા તરીકે સૌથી મોટું યોગદાન આપ્યું હતું. તેમની 2021ની બાયોગ્રાફીમાં તેમણે જણાવ્યું હતું કે,‘તમે નોકરીમાંથી નિવૃત્ત થઈ શકો છો પરંતુ, એક્ટિવિસ્ટ તરીકે કદી નિવૃત્ત થઈ શકતા નથી.’