ડોડોમાઃ ટાન્ઝાનિયા સરકારે ભૂતપૂર્વ સ્વ. પ્રમુખ જહોન માગુફલીએ અમલી બનાવેલી વિવાદાસ્પદ નીતિને રદ કરીને ટીનેજ માતાઓને પ્રસુતિ પછી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે પરવાનગી આપવાનું જણાવ્યું હતું.
માગુફલીએ ૨૦૧૭માં સરકારી સ્કૂલોમાંથી સગર્ભા છોકરીઓની હકાલપટ્ટી કરીને પ્રસુતિ પછી સ્કૂલમાં અભ્યાસ માટે પાછા ફરતી અટકાવતી નીતિને મંજૂરી આપી હતી. તેથી માનવ અધિકારના કેમ્પેનર્સે ટાન્ઝાનિયા પર ભેદભાવનો આરોપ મૂક્યો હતો. આ નીતિ ૧૯૬૧માં ઘડાઈ હતી.
આ વર્ષે માગુફલીના મૃત્યુ પછી તેમના અનુગામી સામિયા સુલુહુ હસને તેમની કેટલીક નીતિઓને રદ કરી હતી. ગયા બુધવારે પાટનગર ડોડોમા ખાતે શિક્ષણ પ્રધાન જોઈસ ન્દાલીચાકોએ જણાવ્યું હતું કે ડિલિવરી પછી પ્રસૂતા સ્કૂલ ગર્લ્સને અભ્યાસ ચાલુ રાખવા પરવાનગી અપાશે. તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે તેઓ કોઈ ઢિલાશ રાખશે નહીં અને સરક્યુર જારી કરી દેશે.
અગાઉ ૨૦૧૭માં માગુફલીએ ગર્ભવતી બનેલી કોઈપણ વિદ્યાર્થિનીને તેમના શાસનમાં અભ્યાસ પૂરો કરવા દેવાશે નહીં તેવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે છોકરીઓ નાની વયે જાતીય સક્રિય થાય તે અનૈતિક ગણાય. તેમણે કહેલું કે તેઓ વિદ્યાર્થી મફતમાં ભણી શકે તે માટે નાણાં આપે છે.