કિગાલીઃ બ્રિટિશ તાજના વારસદાર પ્રિન્સ ચાર્લ્સે શુક્રવાર 24 જૂને રવાન્ડાની રાજધાની ખાતે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ (CHOGM)ના ઉદ્ઘાટન સમારોહમાં કોમનવેલ્થના નેતાઓને સંબોધન કરતા ગુલામીની લાંબી અસર વિશે અંગત માફી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અસંખ્ય લોકોએ ગુલામીની જે યાતના સહન કરી છે તેમના પ્રત્યે મારા હૃદયના ઊંડાણમાં રહેલા દુઃખનું હું વર્ણન કરી શકતો નથી.’
પ્રિન્સ ચાર્લ્સે કહ્યું હતું કે, ‘આપણા ઈતિહાસના સૌથી પીડાદાયી કાલખંડમાં આપણા સમકાલીન સંઘના મૂળિયાં ઊંડે સુધી ધરબાયેલાં હોવાનું હું સ્વીકારું છું’ જોકે, પ્રિન્સે ગુલામીના વેપારમાં બ્રિટિશ શાહી પરિવારની સંડોવણી બાબતે સત્તાવાર માફી માગી ન હતી.
પ્રિન્સ ઓફ વેલ્સે પુનરુચ્ચાર કર્યો હતો કે પૂર્વ બ્રિટિશ કોલોનીઓ સહિત કોમનવેલ્થના દેશો તેમણે કેવી રીતે પોતાનો વહીવટ ચલાવવો તે જાતે નક્કી કરી શકે છે. દરેક સભ્ય રાષ્ટ્રની બંધારણીય વ્યવસ્થા- રિપબ્લિક અથવા રાજાશાહીનો નિર્ણય લેવો તેમના પર જ આધાર રાખે છે. મારા લાંબા જીવનનો અનુભવ કહે છે કે આવી વ્યવસ્થાઓ શાંતિથી અને કડવાશ વિના બદલાઈ શકે છે.