જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલા 42 વર્ષીય પ્રિન્સ વિલિયમને સ્થાનિક લોકો દ્વારા ઉષ્માસભર સ્વાગત છતાં, પ્રવાસના આખરી દિવસે રાજાશાહીવિરોધી બે દેખાવકારોનો સામનો કરવો પડ્યો હતો. પ્રિન્સ ઓફ વેલ્સ 7 નવેમ્બરે કેપ ટાઉનમાં કાલ્ક બેની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે આ દેખાવકારોએ ‘ગો હોમ નાઉ’ના નારા પોકાર્યા હતા. પ્રિન્સના ચાર દિવસના પ્રવાસમાં આ એકમાત્ર અશાંતિની નિશાની જોવા મળી હતી.
પ્રિન્સેસ કેટ 2024 અર્થશોટ એવોર્ડ્સ માટેની આ મુલાકાતમાં પ્રિન્સ વિલિયમ સાથે જોડાયા ન હતા અને ત્રણ સંતાનો સાથે ઘરમાં જ રહ્યાં હતાં. પ્રિન્સે જણાવ્યું હતું કે તેમના પરિવારને સાઉથ આફ્રિકા આવવું ગમ્યું હોત પરંતુ, બાળકોની શાળા હોવાથી તેમણે યુકેમાં રહેવું પડ્યું છે. એવોર્ડ સમારંભ 6 નવેમ્બરની રાત્રે યોજાયો હતો જ્યાં પ્રિન્સ વિલિયમને ગ્રીન કાર્પેટ પર સ્વાગત સાથે લઈ જવાયા હતા.
પ્રિન્સ સામે સૂત્રોચ્ચારો કરાયા છતાં તેમણે પોતાના કાર્યક્રમો અટકાવ્યા ન હતા. એક દેખાવકારે ભાવિ રાજવીએ તેમના દાદીએ જે ચોરી લીધુ હતું તે પાછું આપેની બૂમો પાડી હતી. બીજી તરફ, પ્રિન્સના સમર્થકોએ વિરોધીઓને તગેડી મૂકવા પ્રયાસ કર્યો હતો અને ભાવિ રાજવી માટે ‘વિલિયમ વી લવ યુ, વી લવ યુ વિલિયમ’ના સૂત્રો પોકાર્યા હતા. પ્રિન્સને મળવા નહિ દેવાતા સ્થાનિક માછીમારો પણ રોષે ભરાયા હતા.