પ્રિન્સ હેરી - મેગનની માનસિક સ્વાસ્થ્યના સંદેશા સાથે નાઈજિરિયા મુલાકાત

Tuesday 14th May 2024 12:59 EDT
 
 

અબુજાઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે શુક્રવાર 10 મેથી પશ્ચિમ આફ્રિકી દેશ નાઈજિરિયાની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. નાઈજિરિયાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના આમંત્રણથી અને પ્રિન્સ હેરીની ‘ઈન્વિક્ટ્સ ગેઈમ્સ’ને પ્રમોટ કરવા સસેક્સ દંપતી નાઈજિરિયાની મુલાકાતે પહોંચ્યા હતા. ‘ઈન્વિક્ટ્સ ગેઈમ્સ’ ઈજાગ્રસ્ત, બીમાર અથવા ઈજાગ્રસ્ત પીઢ સૈનિકો અને સેવારત લશ્કરી પર્સોનલ માટે સ્પોર્ટિંગ ઈવેન્ટ્સનું આયોજન કરે છે. વર્કિંગ રોયલ્સ તરીકે ડ્યૂક અને ડચેસે 2019માં સાઉથ આફ્રિકા, માલાવી, અંગોલા અને બોટ્સવાનાની મુલાકાત લીધી હતી. તેમણે 2020થી વર્કિંગ રોયલ્સ તરીકે ફરજનો ત્યાગ કર્યા પછી આફ્રિકાની આ પ્રથમ મુલાકાત છે.

પ્રવાસના પ્રથમ દિવસે હેરી અને મેગને અબુજાની સ્થાનિક શાળાના બાળકો સમક્ષ જણાવ્યું હતું કે માનસિક આરોગ્ય વિશે વાત કરવામાં કોઈ શરમ રાખવી ન જોઈએ. તેમણે બાળકોને સંદેશો આપ્યો હતો કે મૌન રાખી પીડા સહન કરવાની કોઈ જરૂર નથી. તેઓ બાળકો સાથે નૃત્યમાં પણ સામેલ થયા હતા. ડ્યૂક અને ડચેસે વોલીબોલ કોર્ટની પણ મુલાકાત લીધી હતી જ્યાં હેરી સિટિંગ વોલીબોલની પ્રદર્શન ગેઈમમાં નાઈજિરિયન એથ્લીટ્સ સાથે જોડાયા હતા. પ્રિન્સ હેરી નાઈજિરિયન આર્મી રેફરન્સ હોસ્પિટલ કાડુનાની મુલાકાત લઈ વોર્ડ્સમાં ગયા હતા. તેમણે લશ્કરી પરિવારો અને વિડો એસોસિયેશન દ્વારા રિસેપ્શન સમારોહમાં સંબોધન પણ કર્યું હતું. રવિવારે સસેક્સ દંપતી લાગોસ પહોંચ્યા હતા જ્યાં સ્ટેટ ગવર્નર, સ્થાનિક ડાન્સર્સ અને શુભેચ્છકોએ નૃત્યો સાથે તેમનું સ્વાગત કર્યું હતું. દંપતીએ પણ તાળીઓ પાડી નૃત્યોને વધાવ્યાં હતાં.

મેગન મર્કેલે નાઈજિરિયાને ‘મારો દેશ’ ગણાવ્યો

ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલે નાઈજિરિયાને ‘મારો દેશ’ કહેવાં સાથે જણાવ્યું હતું કે નાઈજિરિયાની મુલાકાતમાં પ્રિન્સ હેરી અને હું જે લોકોને મળ્યાં તેમને મારી વિરાસત વિશે કોઈ આશ્ચર્ય થયું ન હતું જ્યાં - વિરાસત વિશે જાણવાનું ‘વિનમ્રતાપૂર્ણ’ રહ્યું હતું.ડચેસ ઓફ સસેક્સે બે વર્ષ અગાઉ લેવાયેલા ડીએનએ આધારિત ટેસ્ટનો હવાલો આપી કહ્યું હતું કે તેઓ 43 ટકા નાઈજિરિયન છે. મેગને નાઈજિરિયાની રાજધાની અબુજામાં સ્ત્રીઓનાં નેતૃત્વ સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઓડિયન્સને મેગન માટે નાઈજિરિયન નામ સૂચવવા જણાવાયું ત્યારે ‘ઈફેઓમા’ (ખજાનાની જેમ સાચવી રખાયેલી વસ્તુ), ‘ઓમોવાલે’ (બાળક ઘેર પરત આવ્યું છે) જેવાં નામ સૂચવાયાં હતાં. અબુજાની મુલાકાતમાં ડચેસ ઓફ સસેક્સને પરંપરાગત નાઈજિરિયન સ્કર્ટની ભેટ આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter