લાગોસઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ, પ્રિન્સ હેરી અને મેગન મર્કેલની નાઈજિરિયા મુલાકાત દરમિયાન પ્રિન્સે જે નાઈજિરિયન કિંગ ઓબા અબ્દુલરશીદ આડેવલે અકાન્બીને સાસરી પક્ષનો ગણાવી હાથ મિલાવ્યા હતા તે ચોરી કરેલા 247,000 પાઉન્ડના ચેકની ચોરી કરી વટાવવાના પ્રયાસના ગુનામાં 15 મહિનાની જેલ અને યુએસથી બે વખત ડિપોર્ટ કરાયેલો ઠગ હોવાનું બહાર આવ્યું છે. કિંગ અકાન્બી અને તેની રાણી ફિરદૌસે મેગન મર્કેલ સાથે તસવીર પણ ખેંચાવી હતી. હેરી અને મેગનને અકાન્બીના ભૂતકાળની જાણકારી હોવાનું મનાતું નથી.
નાઈજિરિયા પ્રવાસ દરમિયાન ડ્યૂક અને ડસ ઓફ સસેક્સે લાગોસમાં ઓસૂન સ્ટેટના કિંગ ઓબા અબ્દુલરશીદ આડેવલે અકાન્બી સહિત ચાર અલગ અલગ રાજ્યોના કિંગ સાથે મુલાકાત કરી હતી. પ્રિન્સ હેરીએ રમૂજમાં આ રાજવીઓને પોતાના સાસરી પક્ષના સગાં ગણાવી કહ્યું હતું કે તેઓ પ્રોટોકોલ્સ છોડી દેશે કારણકે તેઓ એક જ પરિવારના છે. ‘ફંકી કિંગ’ તરીકે જામીતા 56 વર્ષીય અકાન્બીએ સસેક્સીસને ઘણી ભેટ આપીને મેગનને કહ્યું હતું કે તમે અમારામાંના જ એક છો. ક્વીન ફિરદૌસે મેગન સાથે તસવીર ખેંચાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
અકાન્બીએ 1998માં બોસ્ટનમાં એવિએશન કંપની બોઈંગનો ચોરાયેલો 247,000 પાઉન્ડનો ચેક વટાવવા કોશીશ કરી ત્યારે તેની ધરપકડ કરાઈ હતી. તેની સામે ભળતા નામથી 59,000 પાઉન્ડના ચેકની બનાવટ પણ કરલાનો ચાર્જ લગાવાયો હતો. તેને 15 મહિના જેલની સજા કરાઈ હતી અને 1999માં નાઈજિરિયા ડિપોર્ટ કરાયો હતો. દંડ ભરવાની અશક્તિ જોતા તેનો 1500 પાઉન્ડનો દંડ પણ માંડી વળાયો હતો. અમેરિકામાં પ્રવેશબંધી હોવાં છતાં, માર્ચ 2011માં સરહદ પાર કરવાના પ્રયાસમાં તેને પકડી લઈ ફરી ડિપોર્ટ કરાયો હતો.