કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ જેકબ ઝુમા ગુપ્ત મતદાનમાં માત્ર ૨૧ મતથી નો-કોન્ફિડન્સ પ્રસ્તાવને ફગાવી શક્યા છે. ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આક્ષેપોની મધ્યે સાઉથ આફ્રિકાના સાંસદોએ પ્રમુખ ઝુમાને નહીં હટાવવાનો મત આપ્યો હતો. પાર્લામેન્ટમાં અવિશ્વાસ દરખાસ્ત ૧૯૮ વિરુદ્ધ ૧૭૭ મતથી નિષ્ફળ જવાના પરિણામે, હવે તેઓ રાજીનામું આપશે નહીં.
અગાઉ પાર્લામેન્ટમાં ઝુમાને હટાવવાના છ પ્રયાસ નિષ્ફળ ગયા છે, પરંતુ ગુપ્ત મતદાનથી નિર્ણયનો આ પ્રથમ પ્રયાસ હતો. આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી (ANC)ના અસંતુષ્ટ સાંસદો ઝુમા વિરુદ્ધ મત આપશે તેવી વિપક્ષને આશા હતી. પરિણામ જાહેર થતાં જ ANCના સમર્થકોએ પાર્લામેન્ટની બહાર નાચગાન સાથે ઝુમાના વિજયને વધાવી લીધો હતો. છેક ૨૦૦૯થી સત્તા પર રહેલા ઝુમાએ ભ્રષ્ટાચાર અને દેશની આર્થિક પડતીમાં કારણભૂત હોવાના આક્ષેપો ફગાવી દીધા હતા.
સાઉથ આફ્રિકામાં રંગભેદના અંત સાથે ANC ૧૯૯૪થી સત્તા પર છે. રંગભેદવિરોધી આંદોલનના પીઢ નેતાઓના એક જૂથે ઝુમા વિરોધી મત આપવા પક્ષના સાંસદોને અપીલ કરી હતી. પક્ષના અનેક સાંસદોએ ઝુમાનો વિરોધ કર્યો છે. જોકે, સંસદીય સત્ર અગાઉ પાર્ટીના ચીફ વ્હીપ જેક્સન મ્થેમ્બુએ જણાવ્યું હતું કે પક્ષે ઝુમાને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ, પ્રીટોરિયા, જોહાનિસબર્ગ અને કેપ ટાઉનમાં દેખાવકારોએ પથ્થરમારા અને ટાયરોને આગ ચાંપવા સાથે માર્ગો બ્લોક કરી દીધા હતા. કેપ ટાઉનમાં વિરોધ પક્ષોના હજારો સમર્થકોએ રેલી કાઢી ઝુમાવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આની સામે
ઝુમાના સમર્થકોએ પણ રેલી કાઢી હતી.