કમ્પાલાઃ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ દેશના કિકુબે ડિસ્ટ્રિક્ટના કિંગફિશર ઓઈલફિલ્ડ્સમાં પ્રથમ તેલકૂવામાં ઓઈલના ડ્રિલિંગને 24 જાન્યુઆરીએ સત્તાવાર કાર્યાન્વિત કરેલ છે. કિંગફિશર ઓઈલફિલ્ડ્સનું ઓપરેશન CNOOC Uganda હસ્તક છે અને આ સંયુક્ત સાહસમાં UNOC અને Total E&Pનો સહયોગ છે. યુગાન્ડાની કંપનીઓને વિવિધ કામગીરી માટે 900 બિલિયન શિલિંગની કિંમતના ઓઈલ કોન્ટ્રાક્ટ્સ મળેલા છે.
યુગાન્ડાના ક્રુડ ઓઈલના સૌપ્રથમ પમ્પિંગ કરનારા કિંગફિશર ઓઈલફિલ્ડ્સને વિકસાવવા અંદાજે કુલ 2 બિલિયન ડોલર (7.3 ટ્રિલિયન શિલિંગ)નો ખર્ચ કરાશે તેમ પેટ્રોલિયમ ઓથોરિટી ઓફ યુગાન્ડાએ જણાવ્યું છે. 2025ના છેલ્લા ક્વાર્ટરમાં ઓઈલ પ્રોડક્શન શરૂ કરાવાની ધારણા છે.
પ્રેસિડેન્ટ મુસેવેનીએ સ્થાનિક લોકોને તેલક્ષેત્રોના વિકાસકાર્યમાં જોડાયેલી કંપનીઓ દ્વારા વપરાશમાં લેવા માટે મોટા પાયે અનાજના ઉત્પાદન કરવાની હાકલ કરી હતી. આના પરિણામે ભારે આર્થિક લાભ મળશે તેમ પણ તેમણે કહ્યું હતું.
યુગાન્ડા પડોશી દેશ ટાન્ઝાનિયાના ટાન્ગા પોર્ટ સુધી 1,443 કિલોમીટર લાંબી ઈસ્ટ આફ્રિકન ક્રુડ ઓઈલ પાઈપલાઈન (Eacop) મારફત ક્રુડ ઓઈલની નિકાસ કરવા ધારે છે. પાઈપલાઈનના બાંધકામને યુગાન્ડા દ્વારા તાજેતરમાં જ લીલી ઝંડી અપાઈ છે. કિંગફિશર પ્રોજેક્ટ માટે માલસામાન અને સર્વિસીસ પૂરી પાડવાના 1 બિલિયન ડોલર (3.6 ટ્રિલિયન શિલિંગ)ની જોગવાઈમાંથી 270 મિલિયન ડોલર (986 બિલિયન શિલિંગ)ના કોન્ટ્રાક્ટ યુગાન્ડાની કંપનીઓને અપાયા છે જેમાં, સિવિલ વર્ક્સ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન અને ICTનો સમાવેશ થાય છે.