નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ સરકારવિરોધી દેખાવો અને દબાણો સામે ઝૂકીને કેબિનેટને વિખેરી નાખી છે. જોકે, પ્રેસિડેન્ટ રુટોના રાજીનામાની માગણીમાં કોઈ ફેરફાર થયો નથી. ફાઈનાન્સ બિલ પાછું ખેંચી લેવાયા પછી પ્રેસિડેન્ટ રુટો સામે સરકારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનો અને ખર્ચ ઘટાડવા કરકસરના પગલાં અમલી બનાવવાના પડકાર છે. રુટોનું આ પગલું જનરેશન ઝેડના દબાણને હળવું બનાવવા માટે છે. પ્રેસિડેન્ટે ખાતરી આપી છે કે તેમની નવી કેબિનેટ નાની અને કાર્યક્ષમ રહેશે.
ઘણા વિરોધીઓએ સ્પષ્ટ કર્યું છે કે કેબિનેટના વિસર્જનનો કોઈ અર્થ નથી. પ્રેસિડેન્ટે જ હોદ્દો ખાલી કરવો જોઈએ. દેશને સંપૂર્ણ બદલાવ જોઈએ છે. લોકોએ યુવા પેઢીનો આભાર માનવા સાથે જણાવ્યું હતું કે તેમના પ્રયાસ વિના રુટોએ કેબિનેટમાં કોઈ ફેરફાર કર્યો ન હોત. દરમિયાન, ઘણા લોકોએ નિષ્ણાત ટેકનોક્રેટ્સને કેબિનેટમાં સ્થાન આપવાની માગણી કરી છે. કેન્યાવાસીઓએ કેટલાક પૂર્વ કેબિનેટ મિનિસ્ટર્સની અક્ષમતા, અહંકાર અને ભ્રષ્ટાચાર મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ જણાવ્યું હતું કે તેમને પોલીસ વડાનું રાજીનામું મળેલ છે અને તેમના ડેપ્યુટી ડગ્લાસ કાન્જા તેમના સ્થાને કામ કરશે.