મડાગાસ્કરઃ સેન્ટ્રલ બેંકના મલાગાસી કર્મચારી સાથે મળીને મડાગાસ્કરમાં બળવાના કથિત ષડયંત્ર બદલ બે ફ્રેંચ પુરુષ ફિલીપ એફ અને પોલ આરને હાઈ સિક્યોરિટી જેલમાં રિમાન્ડ પર રખાયા હતા. ૧૫ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રખાયા પછી તેમને જજ સમક્ષ રજૂ કરાતા તેમણે તેમને અટકમાં લેવા અને તેમના પર આરોપ ઘડવાનો ચુકાદો આપ્યો હતો.
એન્ટાનાનારિવો કોર્ટહાઉસમાં લાંબી સુનાવણી દરમિયાન કુલ ૨૧ લોકોને જજ સમક્ષ હાજર કરાયા હતા. તેમાંથી ૧૧ને કેદ કરાયા હોવાનું સરકારની કોમ્યુનિકેશન્સ એજન્સી તારાત્રાએ જણાવ્યું હતું. એટર્ની જનરલ બર્થિન રઝાફિયારિવોનીએ તપાસની ગુપ્તતા જાળવવા અનુરોધ કર્યો હોવા છતાં તારાત્રાએ ટૂંકમાં અથવા ઈનિશિયલ્સ તરીકે નામો પ્રકાશિત કર્યા હતા.
વિલી રઝાફિન્જાતોવોએ જણાવ્યું કે પોલ આર અને તેની પત્ની પર સરકારી સુરક્ષાની અવગણના કરવાનો અને પ્રજાસત્તાકના પ્રેસિડેન્ટની હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકાયો છે. આ કેસની ટ્રાયલ ટેલિવિઝન પર પ્રસારિત થાય તેવી ઈચ્છા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે આશા રાખીએ કે કોર્ટ બહારના દબાણ વગર આ કેસની ટ્રાયલ ચાલશે.