ફિનિક્સઃ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ શહેરમાં જેકબ ઝૂમાના મુદ્દે ભારતીયો અને અશ્વેત નાગરિકો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે ફરી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારતીયોએ આચરેલી હિંસામાં ૧૨ જેટલા અશ્વેત નાગરિકોનું મૃત્યુ થયું હતું. પોલીસે આ હિંસા સંદર્ભે ૫૬ લોકોની ધરપકડ કરી હતી.
વોટ્સએપ ગ્રુપમાં વાઈરલ થયેલા મેસેજ બાદ ભડકેલી હિંસામાં ભારતીયોના ટોળાએ એક મીની બસમાં મુસાફરી કરી રહેલા ઇલામીની નામના અશ્વેત નાગરિક અને તેના મિત્રોને ચારેબાજુથી ઘેરી લીધા હતા અને તેમને ખૂબ માર્યા હતા. જો કે ઇલામીનીના કેટલાંક મિત્રો આ ઝનૂની બનેલા ટોળામાંથી સલામત રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
વાસ્તવમાં ભારતીયો દ્વારા વોટ્સઅપમાં બનાવેલા વિવિધ ગ્રુપમાં છેલ્લા કેટલાંક દિવસોથી એવા મેસેજ ફરી રહ્યા હતા કે સેંકડોની સંખ્યામાં અશ્વેતો ભારતીય સમૂહના લોકો ઉપર હુમલો કરવાના છે. તે ઉપરાંત કેટલાક શ્વેત નાગરિકોએ ભારતીયો વિરૂદ્ધ પોલીસ ફરિયાદો નોંધાવી હતી જેની પાછળ તેઓનો આશય ભારતીયોની દુકાનોને લૂંટી લેવાનો હતો.
ક્રિકેટનું બેટ, હોકી, લોખંડના સળિયા, હથોડા જેવા ઓજારોને હથિયારો બનાવીને ભારતીયોના ઉશ્કેરયેલા એક ટોળાએ એક મીની બસ રોકીને તેમાં બેઠેલા અશ્વેત યુવાનો ઉપર હુમલો કર્યો હતો.
ફિનિક્સની સડકો ઉપર ભારતીયોના ઝનૂની ટોળાએ અશ્વેત નાગરિકોની અવર-જવર રોકી દીધી હતી અને તેમને શોધી શોધીને તેઓને નિશાન બનાવ્યા હતા.