નાઈરોબીઃ કેન્યામાં ફેસબૂકના મોડરેશન સેન્ટરમાં કામ કરતા 43 મોડરેટર્સ દ્વારા માર્ચ મહિનામાં ગરકાયદે બરતરફી તેમજ કામદારોના શોષણ અને કાર્યસ્થળે ખરાબ હાલત સહિતની બાબતે સોશિયલ મીડિયા પેરન્ટ કંપની મેટા સામે કાનૂની કેસ કર્યો હતો. આ કાર્યવાહી રદ કરવા મેટા દ્વારા કરાયેલી અરજી પર કેન્યાની કોર્ટમાં સુનાવણી શરૂ કરાઈ છે. ફેસબૂકની પેરન્ટ કંપની મેટાએ જલીલ કરી છે કે તે કેન્યામાં આવેલી નથી કે ત્યાં વેપાર પણ કરતી ન હોવાથી કેન્યાની કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતી નથી. ફેસબૂકની આઉટસોર્સિંગ કંપની સામા 2019થી ઓફિસ ચલાવે છે અને જાન્યુઆરી 2023માં 260 કન્ટેન્ટ મોડરેટર્સની હકાલપટ્ટી કરાઈ હતી જેમાંથી 43 કર્મચારીએ કેસ કર્યો છે. ફેસબૂક અને સામા દ્વારા તેમના કોન્ટ્રાક્ટ્સ બંધ કરવા જે પદ્ધતિ અપનાવાઈ તેનાથી આ કર્મચારી નારાજ છે. ફેસબૂકમાંથી હકાલપટ્ટી કરાયેલા લોકોને અન્ય મોડરેટર્સ આઉટસોર્સિંગ કંપનીઓ પણ કામે રાખતી નથી. કેન્યામાં ફેસબૂક સામે કાનૂની કાર્યવાહીનો આ પ્રથમ કિસ્સો નથી. ડિસેમ્બર 2022માં કેન્યા અને ઈથિયોપિયા વચ્ચે ઓનલાઈન વંશીય ઘૃણા અને હિંસાના પ્રસારના આક્ષેપ સાથે 1.6 બિલિયન ડોલરના વળતર ફંડની માગણી કરાયેલી છે. આ કાર્યવાહી હજુ ચાલી રહી છે.