પેરિસઃ કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા ફ્રાંસની સત્તાવાર મુલાકાતે હતા. મુલાકાતના બીજા દિવસે ૧લી જુલાઈને ગુરુવારે તેમની અને તેમના સમકક્ષ ઈમાનુએલ મેક્રોન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક ત્રણ વર્ષમાં બન્ને નેતાઓ વચ્ચેની ત્રીજી બેઠક હતી. તેમનો મુખ્ય ઉદેશ નાઈરોબી - નકુરુ - માઉ સમીટને સાંકળતા ૨૩૩ કિ.મી. લાંબા હાઈવેના નિર્માણના પ્રોજેક્ટની સમીક્ષા અને ચર્ચા કરવાનો હતો.
બન્ને વચ્ચેની બેઠકમાં બન્ને દેશો વચ્ચેના હાલના સંબંધો વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું સરકારી યાદીમાં જણાવાયું હતું. બન્ને નેતાઓએ આ હાઈવે પ્રોજેક્ટ સહિત કેન્યામાં ફ્રાન્સની મદદ સાથેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિશે ચર્ચા કરી હતી. આ હાઈવે પ્રોજેક્ટ માટે કેન્યાએ ફ્રેન્ચ કન્સોર્શિયમને ૧.૫ બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ પ્રોજેક્ટનું કામ આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે. બન્ને નેતાઓ વચ્ચે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સંભવિત ભાગીદારી વિશે પણ ચર્ચા થઈ હતી.
આ અગાઉ પ્રમુખ મેક્રોને યોજેલી જેન્ડર ઈક્વાલિટી પરની ઈન્ટરનેશનલ ફોરમમાં પણ કેન્યાટા અતિથિપદે હતા. તેમણે જણાવ્યું હતું કે કોવિડ – ૧૯ મહામારીને લીધે પરિસ્થિતિ કથળી છે અને દુનિયામાં મહિલાઓ પરની હિંસામાં ૨૫ ટકાનો વધારો નોંધાયો હતો.