હેગ, કમ્પાલાઃ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (ICC) યુગાન્ડાના બંડખોર ગ્રૂપ ‘લોર્ડ્સ રેસિઝસ્ટન્સ આર્મી (LRA)ના સજા કરાયેલા કમાન્ડર ડોમિનિક ઓંગ્વેનના જુલ્મનો શિકાર બનેલા હજારો વિક્ટિમ્સને 56 મિલિયન ડોલરનું વળતર આપવાનો ચુકાદો આપ્યો છે. ICCની અપીલ્સ પેનલે ડોમિનિક અપરાધો અને 25 વર્ષની જેલની સજા પણ બહાલ રાખી છે.
વળતરની સુનાવણીમાં કોર્ટમાં હાજર નહિ રહેલા ડોમિનિક ઓંગ્વેનને 2022ના ઉત્તરાર્ધમાં હત્યા, બળત્કારો, બળજબરીથી લગ્નો અને બાળસૈનિકોની ભરતી કરવાના આરોપોમાં દોષી ઠરાવાયો હતો. વળતરના ચુકાદામાં આવરી લેવાયેલા લગભગ 50,000અસરગ્રસ્તોમાં પૂર્વ બાળસૈનિકો તેમજ બળજબરીના બળાત્કારો અને પ્રેગનન્સી થકી જન્મેલાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
પ્રીસાઈડિંગ જજ બર્ટ્રામ શ્મિટે જણાવ્યું હતું કે આરોપી ઓંગ્વેન ગરીબ હોવાથી વળતરની રકમો કોર્ટના સભ્ય રાષ્ટ્રો દ્વારા સ્થપાયેલા ટ્રસ્ટ ફંડમાંથી ચૂકવાશે. પ્રત્યેક વિક્ટિમને 812 ડોલરનું પ્રતીકાત્મક વળતર મળશે જ્યારે વાસ્તવિક વળતર કોમ્યુનિટી આધારિત પુનઃવસવાટ પ્રોગ્રામ્સ અન્વયે પ્રાપ્ત થશે.