જોહાનિસબર્ગઃ એક સમયે વન્યજીવન માટે અભયારણ્ય ગણાતા દક્ષિણ આફ્રિકન દેશ બોટ્સવાનામાં દંતશૂળ માટે હાથીઓના ગેરકાયદે શિકારમાં ભારે ઉછાળો આવ્યો છે અને તાજેતરના મહિનાઓમાં સેંકડો હાથીઓની હત્યા કરાઈ છે. વિશાળ દંતશૂળ માટે પ્રખ્યાત આફ્રિકન હાથી હવે લુપ્ત થવાના આરે આવ્યા છે. ગત ત્રણ મહિનામાં જ ગેરકાયદે શિકારીઓના હાથે ચોબે નેશનલ પાર્ક સહિતના વિસ્તારોમાં ઓછામાં ઓછાં 60 નર હાથીનો શિકાર કરાયો હતો.
બોટ્સવાનાના હાથીઓના ઝૂંડના એરિયલ સર્વેમાં વિશાળ પ્રમાણમાં હાથીઓના મૃતદેહો નજરે પડ્યા હતા.બોટ્સવાના સરકારનો વાઈલ્ડલાઈફ વિભાગ હાથીઓની રક્ષા અને જાળવણી માટે બેદરકાર હોવાનો પશુપ્રેમીઓનો આક્ષેપ છે. ઝામ્બીઆ અને નામિબિઆની સશસ્ત્ર સુગઠિત ટોળકીઓ રાજધાની લુસાકા અને આસપાસના વિસ્તારોમાં શિકાર માટે નર હાથીઓની તલાશમાં રહે છે અને તક મળ્યે જ તેમની હત્યા કરે છે આ ટોળકીઓ દંતશૂળના વેપારમાં છે.તેમની પાસેથી 68 દંતશૂળ મળી આવ્યા હતા જેનું વજન અડધા ટનથી પણ વધુ હતું. હાથીદાંતના નાના ટુકડાઓનું પેકિંગ કરી આફ્રિકા અને એશિયાના દેશોમાં મોકલી અપાય છે. આફ્રિકામાં હાથીની સૌથી વધુ વસ્તી બોટ્સવાનામાં છે અને હજુ પણ આશરે 130,000 હાથીની વસ્તી છે.