કમ્પાલાઃ યુગાન્ડાના વિપક્ષી નેતા અને બોબી વાઈનના નામથી લોકપ્રિય રોબર્ટ ક્યાગુલાન્યીને ચમકાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘બોબી વાઈનઃ ધ પીપલ્સ પ્રેસિડેન્ટ’ને 2024ના ઓસ્કાર એવોર્ડ સમારોહ માટે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મનું નોમિનેશન મળ્યું છે. આ કેટેગરીના નોમિનેશન્સમાં ટ્યુનિશિયાની ‘ફોર ડોટર્સ’ સહિત અન્ય ચાર ડોક્યુમેન્ટરીનો પણ સમાવેશ થાય છે.
બોબી વાઈને એક્સ પર ટ્વીટમાં જણાવ્યું હતું કે,‘યુગાન્ડાની સ્ટોરી એકેડેમી એવોર્ડ્સ માટે પહોંચી તે સૌથી વિનમ્રતાપૂર્ણ ક્ષણ છે. આજે યુગાન્ડા અને વિશ્વમાં અન્યત્ર લોકશાહી માટેની લડત ચાલુ જ છે. આ સ્વીકૃતિ માટે આભાર!’
રોબર્ટ ક્યાગુલાન્યી એટલે કે બોબી વાઈન 2021ની પ્રમુખપદની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ મુસેવેની સામે હારી ગયા હતા. મતદાનમાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો સાથે વિપક્ષી સમર્થકોએ દેશભરમાં વિરોધી દેખાવો કર્યા હતા. માનવ અધિકાર જૂથોના દાવા મુજબ ઈલેક્શનના ગાળામાં સિક્યોરિટી દળોએ સંખ્યાબંધની હત્યા કરી હતી અને અન્ય હજારો દેખાવકારોની ધરપકડ કરી હતી. મુસેવેનીના શાસનની ટીકા કરવા બદલ બોબી વાઈનની અનેક વખત અટકાયત અને ધરપકડ થઈ હતી. તાજેતરમાં જ તેમના નિવાસે પાંચ દિવસની ઘેરાબંધી ઉઠાવી લેવાઈ હતી.