અબૂજાઃ આફ્રિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજિરિયાના પ્રમુખપદે ઓલ પ્રોગ્રેસિવ કોંગ્રેસ પાર્ટીના નેતા બોલા ટિનુબુ ચૂંટાઈ આવ્યા છે. નાઈજિરિયાના રાજકારણમાં ટિનુબુ કિંગમેકર તરીકે પ્રસિદ્ધ છે. તેઓ મે મહિનામાં પ્રમુખપદ સંભાળશે. યુકેના વડા પ્રધાન રિશિ સુનાક અને યુએસના વિદેશ પ્રવક્તાએ મિ. ટિનુબુને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, વિરોધપક્ષોએ આ ચૂંટણીમાં ગેરરીતિઓ થયાનો આક્ષેપ કર્યો છે અને પ્રમુખપદના અન્ય ઉમેદવાર પીટર ઓબીએ બુધવાર પહેલી માર્ચે જાહેર કરાયેલા પરિણામોને પડકારવાની જાહેરાત પણ કરી છે.
પૂર્વ લશ્કરી સરમુખત્યાર પ્રમુખ મહમદુ બુહારીના આઠ વર્ષના શાસનકાળમાં નાઈજિરિયાની આર્થિક અધોગતિ થઈ છે ત્યારે નવા પ્રમુખ ટિનુબુએ દેશની પ્રગતિ માટે બધાનો સાથ-સહકાર માગ્યો હતો. ટિનુબુને 8.7 મિલિયન અથવા તો 36 ટકા મત મળ્યા હતા જ્યારે બીજા ક્રમના વિપક્ષી ઉમેદવાર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના 76 વર્ષીય અટિકુ અબુબકરને 6.9 મિલિયન અને લેબર પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ગવર્નર પીટર ઓબીને 6.1 મિલિયન મત મળ્યા હતા. અબુબકર પાંચ ચૂંટણીથી પ્રમુખપદ માટે ઉમેદવારી કરતા રહ્યા છે. નાઈજિરિયાના કાયદા હેઠળ વિજેતાએ દેશના 36 રાજ્યોમાંથી બે તૃતીઆંશ રાજ્યના મતોમાંથી ઓછામાં ઓછાં 25 ટકા મત મેળવવાના રહે છે.