હરારેઃ બ્રિટનમાં નર્સીસની તંગી ઘટાડવા ઝિમ્બાબ્વેમાંથી મોટા પાયે ભરતી કરાઈ રહી છે જેના પરિણામે, હવે ત્યાં પણ તંગીનું જોખમ સર્જાયું છે. ઝિમ્બાબ્વેની જાહેર હોસ્પિટલ્સના વર્કફોર્સના 10 ટકાથી વધુ અથવા તો આશરે 1,800 નર્સીસે 2021માં નોકરીઓ છોડી 10 ગણો વધુ પગાર આપતા યુકે તરફ પ્રયાણ કર્યું છે. બ્રિટનની હેલ્થકેર સિસ્ટમમાં 93,000 કર્મચારીની અછત છે જેમાથી 42 ટકા નર્સીસ છે.
ઝિમ્બાબ્વેની સંખ્યાબંધ નર્સીસને જાહેર હોસ્પિટલ્સની મૃતઃપ્રાય હેલ્થ સિસ્ટમમાં ઘણો ઓછો પગાર મળે છે પરંતુ, વર્ષો સુધી ભારે મહેનત અને અનેક નોકરીઓ કરવી પડે છે. ઝિમ્બાબ્વેમાં ફૂડ સિક્યુરિટી, ઈલેક્ટ્રિસિટી, ફ્યૂલ સહિત દરેક વસ્તુની અછત છે અને 10 વર્ષથી અર્થતંત્ર પણ ઘણું નબળું પડ્યું છે. આવી હાલતમાં બ્રિટનમાં નર્સીસની તંગી તેમના માટે વરદાન પુરવાર થઈ રહી છે. આ દેશમાં તેમને સરેરાશ 190 યુરોનું વેતન મળે છે પરંતુ, યુકેમાં 10 ગણાથી વધુ વેતન મેળવી શકાય છે.
ઘણી સીનિયર અને ક્વોલિફાઈડ નર્સીસ વિદેશ જવા મળે તો મજૂરીનું કામ કરવા પણ તૈયાર છે. યુકેના વિઝા મેળવવા લાંબી કતારો લાગે છે. તેમનું કહેવું છે કે હવે નર્સીસ નોકરીઓ છોડી રહી હોવાથી તેમના માથે કામનો બોજો વધી ગયો છે. જાહેર હોસ્પિટલોમાં ડ્રેસિંગ્સ, પાણી તેમજ પેઈનકીલર્સ જેવી પાયાની દવાઓ પણ મળતી હોતી નથી ત્યારે દર્દીઓની સારવાર મુશ્કેલ બની જાય છે.
ઝિમ્બાબ્વે સરકારના હેલ્થ સર્વિસ બોર્ડ દ્વારા પણ ભરતી અને તાલીમની જાહેરાતો થવા લાગી છે. નિવૃત્ત નર્સીસ પણ ફરી કામે ચડી રહી છે.