લંડનઃ BBC પેનોરમાને મળેલા એક પૂરાવા મુજબ બ્રિટનની સૌથી મોટી કંપનીઓ પૈકી એક બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT) એ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ વડા રોબર્ટ મુગાબેને લાંચની રકમ ચૂકવી હતી. ૨૦૧૩માં મુગાબેના Zanu - PFપક્ષને ૩૦૦,૦૦૦ ડોલરથી ૫૦૦,૦૦૦ ડોલર વચ્ચેની રકમ ચૂકવવા માટેની વાટાઘાટોમાં BAT સંકળાયેલી હતી. ડોક્યુમેન્ટ્સ દર્શાવે છે કે હરિફોને નુક્સાન પહોંચાડવા માટે BAT દક્ષિણ આફ્રિકામાં લાંચ ચૂકવતી હતી અને તેમના ગેરકાયદેસર સર્વેલન્સનો ઉપયોગ કરતી હતી. BAT એ જણાવ્યું હતું કે તે કોર્પોરેટ સંચાલનના શ્રેષ્ઠ ધોરણો પ્રત્યે પ્રતિબદ્ધ છે.
પ્રમુખ મુગાબેનું ૩૭ વર્ષનું શાસન છેતરપિંડી અને હિંસાના આક્ષેપોથી ગ્રસ્ત ચૂંટણીઓ દ્વારા નિશ્ચિત કરાતું હતું.
બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને ધ યુનિવર્સિટી ઓફ બાથ સાથે સંકળાયેલા પેનોરમાએ લીક થયેલા હજારો દસ્તાવેજો મેળવ્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં BAT કેવી રીતે લગભગ ૨૦૦ ખાનગી બાતમીદારોના નેટવર્કને ફંડિંગ આપતું હતું તે આ દસ્તાવેજો દર્શાવે છે. તેનું મોટાભાગનું કામ દક્ષિણ આફ્રિકાની ખાનગી સિક્યુરિટી કંપની ફોરેન્સિક સિક્યુરિટી સર્વિસીસ (FSS)ને આઉટસોર્સ કરાતું હતું.